અભિજીતને નોબેલઃ શું કહે છે ક્લાસમેટ અને તેમના શિક્ષક?

નવી દિલ્હીઃ અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળવા પર કોલકત્તામાં જશ્નનો માહોલ છે. તેમની એક સહપાઠી અને એક શાળાના શિક્ષકે કહ્યું કે બેનર્જી સ્કૂલના અધ્યયનના સમયમાં અંતર્મુખી અને વિનમ્ર હતા. તેઓ બાળપણથી જ એક ઉત્કૃષ્ઠ વિદ્યાર્થી હતા. સાઉથ પોઈન્ટ સ્કૂલમાં બેનર્જીના સહપાઠી રહેલા શર્મિલા ડે એ કહ્યું કે તેમને એ વાત પર ગર્વ છે કે 1971 થી 78 સુધી તેઓ અને બેનર્જી એક જ ક્લાસમાં ભણ્યા. તેમણે કહ્યું કે જે પ્રકારે તેઓ ક્લાસમાં ગણીતના પ્રશ્નોનો ઉત્તર આપતા હતા તેને જોઈને અમે હંમેશા એમનાથી પ્રભાવિત રહેતા હતા. અભ્યાસ સીવાય તેઓ રમત-ગમત, ખાસ કરીને ફૂટબોલમાં પણ રસ દાખવતા હતા. ભારતીય અમેરિકી અભિજીત બેનર્જી, તેમની પત્ની એસ્થર ડુફ્લો અને અન્ય એક અર્થશાસ્ત્રી માઈકલ ક્રેમરને સંયુક્ત રુપે 2019 માટે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. બેનર્જીના ગણિતના શિક્ષક દીપાલી સેનગુપ્તાએ યાદ કરતા કહ્યું કે ધોરણ 8 માં કયા પ્રકારે અંતર્મુખી અને વિનમ્ર છોકરો પળભરમાં પ્રશ્નનો જવાબ આપી દેતો હતો. તેમણે કહ્યું કે  બેનર્જીમાં ઉત્કૃષ્ઠતાના ગુણ બાળપણથી જ દેખાવા લાગ્યા હતા.