અમેરિકન સાંસદો જ કહે છેઃ ભારતને ફરીથી GSP માં સમાવો

વોશિંગ્ટન: ભારતને ફરીથી જીએસપી વેપાર કાર્યક્રમમાં સામેલ કરવા અમેરિકન કોંગ્રેસની બંન્ને સદનોના 44 સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને અનુરોધ કર્યો છે. તેઓએ કહ્યું કે, ભારતને ફરીથી જીએસપી વેપાર કાર્યક્રમમાં સામેલ કરે જેથી બંને દેશોની વચ્ચે વેપારીક કરાર સરળતાથી થઇ શકે. અમેરિકાએ આ વર્ષે જૂનમાં જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરેન્સીઝ (GSP) કાર્યક્રમ હેઠળ ભારતનો લાભદાયક વિકાસશીલ દેશનો દરજ્જો ખત્મ કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ ભારતને અમેરિકા સાથે વેપાર કરવા પર આયાત ડ્યુટીમાં ખાસ છૂટ મળતી હતી.

અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટાઇઝરને લખેલા પત્રમાં સાંસદો જણાવ્યું હતું કે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે પોતાના ઉદ્યોગો માટે બજારોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવી પડશે. કેટલાક નાના ભાવતાલને કારણે આના પર અસર થવી જોઇએ નહીં.

કોંગ્રેસ(સંસદ) સભ્ય હાઇમ્સ અને રોન એસ્ટેસ દ્વારા લખાયેલા પત્રમાં કુલ 25 ડેમોક્રેટ્સ અને 18 રિપબ્લિકન સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. કોલિશન ફોર જીએસપીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડેન એન્થનીએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારત પાસેથી જીએસપી દરજ્જો છીનવી લીધા બાદથી જ અમેરિકાની કંપનીઓ સંસદને નોકરીઓ અને આવકમાં નુકસાન વિશે જણાવી રહી છે.

એન્થનીના જણાવ્યા મુજબ, ભારતીય નિકાસકારોની સ્થિતિ જીએસપી હટાવ્યા બાદ પણ સારી છે, જ્યારે અમેરિકાની કંપનીઓને પ્રત્યેક દિવસે 10 લાખ ડોલર નવા ટેરિફ રૂપે ચૂકવવા પડે છે. નવા ડેટા મુજબ, માત્ર જુલાઇ માસમાં જ અમેરિકાની કંપનીઓે 3 કરોડ ડોલરનું નુકસાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુથી આગામી 22 સપ્ટેમ્બરે, હ્યુસ્ટનમાં યોજાનારા વડાપ્રધાન મોદીના ‘Howdy Modi’ કાર્યક્રમમાં  યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપવાના છે.