“અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ”ની ત્રીજી આવૃત્તિ સાથે સુરતમાં ભવ્ય પુનરાગમન

સુરત: શહેરના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવો કલા અને સંસ્કૃતિનો લોકપ્રિય મંચ “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ” સંગીત, નૃત્ય અને નાટ્ય શૈલીઓમાં આકર્ષક પ્રસ્તૃત્તિઓ સાથે પરત ફરી રહ્યો છે. સુરતના કલાપ્રેમીઓ માટે ફેબ્રુઆરી 28 થી માર્ચ 2 સુધી કુલ છ પ્રસ્તૃતિઓ રજૂ કરવામાં આવશે. જેમાં તમામ દર્શકો માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. સુરત ખાતે અગાઉની બે આવૃત્તિઓને કલા રસિકો તરફથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યા બાદ, હવે ત્રીજી આવૃત્તિને વધુ ભવ્ય અને વિશાળ બનાવવામાં આવી છે.ત્રીજી આવૃત્તિના પ્રથમ દિવસે એટલે કે ૨૮ ફેબ્રુઆરીના રોજ જૈમિન વૈદ્ય દ્વારા “મહેફિલ-એ-સમા” કાર્યક્રમમાં કવ્વાલી રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ ચેતન દૈયા દ્વારા “વેલકમ ભૂરાભાઈ” નામનું હાસ્ય નાટક રજૂ કરવામાં આવશે.બીજા દિવસે, એટલે કે ૧ માર્ચે રાહુલ કંથારિયા દ્વારા “ચારણ કન્યા” નામનું પ્રાયોગિક પપેટ નાટક અને મુક્ત બેન્ડ દ્વારા “ધ પેલેટ ઓફ ટાઇમ” નામની ફ્યુઝન રોક સંગીતમય પ્રસ્તૃત્તિ રજૂ કરવામાં આવશે.ત્રીજા દિવસે એટલે કે ૨ માર્ચે જયમિલ જોશી દ્વારા “બોર્ડરલેન્ડ્સ” – શાસ્ત્રીય શબ્દભંડોળ સાથેનું સમકાલીન નૃત્ય અને ખુશી લંગાલિયા દ્વારા “સંગીતકારિણી તાના-રીરી” – શાસ્ત્રીય સમકાલીન નૃત્ય રજૂ કરવામાં આવશે.આ તમામ પ્રસ્તૃત્તિ “સંજીવ કુમાર ઓડિટોરિયમ, હજીરા, સુરત” ખાતે યોજાશે, જે તમામ લોકો માટે પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક રહેશે.

“સ્ટોરીઝ ફ્રોમ ધ સોલ”ની થીમ હેઠળ પ્રદર્શિત થનાર આ તમામ પ્રસ્તુતિ જે તે શૈલીના ખ્યાતનામ કલા ક્યુરેટર્સ દ્વારા ક્યુરેટ કરવામાં આવી છે. જેમ કે, સંગીતમાં કે. સુમંત, નાટકમાં ચિરાગ મોદી અને નૃત્યમાં માનસી મોદી. આ ઉપરાંત પ્રત્યેક પ્રસ્તૃત્તિઓના માર્ગદર્શકોમાં કલા ક્ષેત્રના ખ્યાતનામ નામો રજત ધોળકિયા (સંગીત), સૌમ્ય જોષી (નાટક) અને કૃતિ મહેશ (નૃત્ય)નો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૧૮માં અમદાવાદ ખાતે પ્રથમ આવૃત્તિ સાથે શરૂ થયેલ આ અનોખો પ્રોજેક્ટ છે, આજે અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી ચુક્યો છે.  યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિના આ મંચ ઉપર અત્યાર સુધી દેશભરમાંથી ૧૯૭૯ કલાકારોએ પોતાની કલા રજૂ કરી છે. તેમજ અભિવ્યક્તિનો આ મંચ અત્યાર સુધી ૬.૧૯ લાખથી વધુ કલાપ્રેમીઓની પ્રશંસા મેળવી ચૂક્યા છે.

સુરત ખાતે યોજાઈ રહેલી અભિવ્યક્તિની ત્રીજી આવૃત્તિ યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા ઉભરતા કલાકારોને પ્રોત્સાહન આપવા અને તેમને પોતાની કલા રજુ કરવા માટે ઉત્તમ મંચ પુરો પાડવા નો એક પ્રયાસ છે, તેમજ કોઈપણ પ્રકારના આર્થિક સ્તરના ભેદભાવ વગર દરેક કલાપ્રેમી સુધી કલાને નિઃશુલ્ક રીતે પહોંચાડવાનો આ એક પ્રયાસ છે.