ઝીકા વાઈરસ મળતાં યુદ્ધના ધોરણે કામગીરી, ગર્ભસ્થ શિશુને વધુ જોખમ

અમદાવાદ એકતરફ સ્વાઈન ફ્લૂના દિનોદિન વધતાં કેસ સામે આરોગ્યવિભાગ જોતરાયેલું છે ત્યાં વધુ એક ગંભીર પ્રકારની વાઈરસથી ફેલાતી બીમારીનો મહાભય અમદાવાદ પર ઝળૂંબી રહ્યો છે. મચ્છર કરડવાથી થતો ઝીકા વાઈરસનો હુમલો અમરાઈવાડીમાં વધવાના ભયે તંત્ર સતર્ક બન્યું છે.રાજસ્થાનમાં આશરે 135 કેસ સામે આવતાં પડોશી રાજ્ય ગુજરાત સચેત, રાજસ્થાથથી આવતાં પ્રવાસીઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ઝીકાના પગપેસારાને લઈ આ વાઈરસનો ફેલાવો અટકાવવા જાગૃતિ જરુરી છે.

ઝીકા વાઈરસ વિશે જાણો

લક્ષણોઃ સાંધાનો દુઃખાવો, ફોલ્લી, તાવ, માથું દુખવું, આંખો આવવી માંસપેશીઓ દુખવી

ઝીકા વાઈરસના લક્ષણો એક અઠવાડિયા સુધી દેખા દે છે

આ વાઈરસ પણ ડેન્ગ્યૂ અને ચીકનગુનિયા માટે જવાબદાર એવા એડિસ મચ્છરથી થાય છે

સૌથી મોટું જોખમ ગર્ભવતી મહિલા અને તેના ભ્રૂણને હોય છે જેમાં બાળક ખોડખાંપણ ધરાવતું, અસ્વસ્થ જન્મી શકે

ઝીકાથી થતો ગુલિયન બેર્રે સીન્ડ્રોમ એક ન્યૂરોલોજિકલ ડીસઓર્ડર-લકવાની શક્યતા ધરાવે છે

ઝીકા વાઈરસની હજુ સુધી અકસીર દવા શોધાઈ નથી તેથી અગમચેતી એ જ ઉપાય છે

મચ્છરવિરોધી પગલાં લેવા આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરો, હવાની અવરજવર રહે તે ચોક્કસ કરો

ગર્ભવતી મહિલાઓએ જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવું

 

અમરાઈવાડીમાં રહેતી ભાવનગરની એક મહિલાને ઝીકા વાઈરસનો ચેપ લાગ્યા હોવાના અહેવાલો વચ્ચે અમરાઈવાડી ખોખરા વોર્ડમાં તમામ વિસ્તારમાં આજ સવારથી સફાઈ હાથ ધરવા સાછે કચરો હટાવવાનું અને મચ્છરો ખાળવા ફોગિંગની કાર્યવાહી પૂરજોશમાં હાથ ધરવામાં આવી હતી. ઝીકા વાઈરસની ગંભીરતાને લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા વહેલાસરની કામગીરીરુપે વી એસ હોસ્પિટલમાં 20 દર્દીઓને સમાવી શકે તેવો આઈસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. આ વોર્ડમાં મચ્છરનિરોધક જાળી પણ લગાવવામાં આવી છે. સમગ્ર વિસ્તાર મધ્યમવર્ગીય પરિવારોની વસતી ધરાવે છે તેમ જ ગીચ હોવાને લઇને ઝીકા વાઈરસનો ફેલાવો ન વધે તે માટે સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. વિસ્તારની તમામ સોસાયટીઓ અને ગુજરાત હાઉસીગ બોર્ડની વસાહતોમાં વિશેષ સફાઈ અભિયાન સાથે કામગીરી વેગવંતી બનાવાઈ.

આ માટે ૧૦૦થી વધુ સફાઈ કામદારો સાથે AMCના તંત્રના અધિકારીઓએ સુપરવિઝન સાથે સંભવિત ઝીકા વાયરસના લક્ષણો તેમ જ આશંકાઓને લઈને સફાઈ સાથે સ્વચછતા અને ફોગિગની કામગીરીમાં 390 ટીમ દ્વારા ત્રણ કિલોમીટરમાં ફોગિંગ જોડાયાં હતાં. સાથે 14 તબીબી ટીમ દ્વારા વિસ્તારની પાંચ હજારથી વધુ ગર્ભવતી મહિલાઓની તપાસ કરવામાં આવી હતી.

કેન્દ્રીય આરોગ્ય ટીમના માર્ગદર્શન હેઠળ ૩૯૦ ટીમ દ્વારા ૧,૧૯,૫૬૮ ઘરોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં, ૭,૩૩,૪૭૧ જેટલા નાગરિકોને આવરી લેવામાં આવ્યા હતા.આ વિસ્તારમાં કુલ ૫૨ સુપરવાઇઝરી ટીમ, ૯ એન્ટોમોલોજીકલ ટીમ, ૧૪ મેડીકલ ટીમ, ૩ ઝોનલ કક્ષાની સુપરવાઇઝરી ટીમ અને એક રાજ્યકક્ષાની સુપરવાઇઝરી ટીમ દ્વારા સર્વેની સધન તપાસ હાથ ધરવામાં આવી છે

તાવ આવે ત્યારે દર્દીઓએ પેરાસીટામોલ દવા લેવી, સંપૂર્ણ આરામ કરવો, વધુમાં વધુ માત્રામાં પાણી પીવુ તેમજ આ સ્થિતિમાં એસ્પીરીન, બ્રુફેન અને નેપ્રલસીન જેવી દવા લેવાનું ટાળવું જોઇએ તેવો અનુરોધ પણ આરોગ્ય કમિશનર જયંતી રવિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

તો મ્યૂનિસિપલ કમિશનર વિજય નહેરાએ માહિતી આપી હતી કે અમરાઇવાડી સહિતના વિસ્તારમાં યુદ્ધના ધોરણે ૩ કિલોમીટરના વિસ્તારમાં ફોગીંગથી કામગીરી કરવામાં આવી છે. ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ૨૫૭ જેટલી સગર્ભા બહેનોમાં તાવના લક્ષણો જોવા મળ્યા હતા જેમાંથી અત્યાર સુધીમાં ૧૩૫ જેટલા ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. આ વિસ્તારમાં ફોગીંગ દરમિયાન ૪૯,૬૭૧ જેટલા ઘરોને આવરી લેવામાં આવ્યા છે. આ કામગીરી હજુ પણ ચાલુ રાખવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]