ગુજરાતઃ સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન યુવાઓ માટે સ્પર્ધાઓનો કાર્યક્રમ તૈયાર

ગાંધીનગર– રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય યુવા ઉત્સવ ૨૦૧૮-૧૯નું આયોજન કરાયું છે. રાજ્યભરમાં ચાર ઝોનમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર-૨૦૧૮ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજાશે.ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર ઝોનમાં યોજાનાર સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની વિવિધ સ્પર્ધાઓમાં ૧૫ થી ૨૯ વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓ કે બિનવિદ્યાર્થી કોઇપણ યુવકયુવતીઓ ભાગ લઇ શકશે. જેમાં ૧૫ થી ૨૦ વર્ષ સુધી ‘અ’ વિભાગ, ૨૦ થી વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના યુવાનો માટે ‘બ’ વિભાગ તથા ૧૫ થી ૨૯ વર્ષ સુધીના યુવાનો માટે ખુલ્લો વિભાગ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

આ સ્પર્ધાઓમાં પ્રાથમિક શાળાઓ , માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજ, યુનિવર્સિટીઓ, જુદી જુદી તાલીમી સંસ્થાઓ, સાંસ્કૃતિક કલાસંસ્થાઓ કે વ્યક્તિગત રીતે પણ યુવકયુવતીઓ ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છતી વ્યક્તિઓએ કે સંસ્થાઓએ નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે.

તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ સપ્ટેમ્બર-૨૦૧૮ના અંત સુધીમાં, જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ ઓકટોબર-૨૦૧૮ના અંત સુધીમાં, ઝોન કક્ષાનો યુવા ઉત્સવ નવેમ્બર-૨૦૧૮ના પ્રથમ સપ્તાહમાં તથા રાજ્ય કક્ષાનો યુવા ઉત્સવ ડિસેમ્બર-૨૦૧૮ના પ્રથમ સપ્તાહમાં યોજાશે. રાજ્ય કક્ષાએ પ્રવેશ પત્રો મોકલવાની અંતિમ તારીખ: ૧૫/૧૧/૨૦૧૮ રહેશે., જ્યારે ઝોન કક્ષાના યુવા ઉત્સવ અંગેના પ્રવેશ પત્રો જે તે ઝોનના યુવા ઉત્સવ સમિતિના વડાને મોડામાં મોડા તા.૨૦/૧૦/૨૦૧૮ સુધીમાં મોકલી આપવાના રહેશે.

ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવ-આંતર કોલેજ યુવક મહોત્સવ સપ્ટેમ્બર-૨૦૧૮માં યોજાશે

ગુજરાત યુનિવર્સિટી યુવક કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, માન્ય સંસ્થાઓ, યુનિવર્સિટીના વિદ્યાભવનોના વિદ્યાર્થીઓ માટે આંતર કોલેજ યુવક મહોત્સવ સપ્ટેમ્બર-૨૦૧૮માં યોજાશે.યુવક મહોત્સવ વિવિધ ત્રણ વિભાગમાં યોજાશે. યુવક મહોત્સવમાં વિભાગીય કક્ષાએ ભાગ લેવા માટે ગ્રુપની સંખ્યા જે તે વિભાગના અધ્યક્ષ તેમની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમની આયોજનસભામાં નક્કી કરશે. વ્યક્તિગત ઇવેન્ટમાં એક સ્પર્ધક વધુને વધુ બે ઇવેન્ટમાં ભાગ લઇ શકશે. તેમજ સામૂહિક ઇવેન્ટમાં પણ ભાગ લઇ શકશે. જ્યારે સામૂહિક ઇવેન્ટમાં ગમે તેટલી ઇવેન્ટમાં ભાગ લઇ શકાશે. દરેક વિભાગમાં એકતા જળવાય તે. માટે યુનિવર્સિટી દ્વારા નક્કી થયેલ ઇવેન્ટોની જ સ્પર્ધા દરેક વિભાગે કરવાની રહેશે. વિભાગીય કક્ષાએ ઓછી એન્ટ્રી હોય તો પણ પરફોર્મન્સ કરવા દેવાશે.