વેપારમાં સાહસ? અરવિંદ, અદાણી, ક્લેરીસ, ટોરેન્ટની નવી પેઢીના સંચાલકોએ વહેંચ્યાં રસપ્રદ અનુભવ

અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન રુપાણીએ અમદાવાદમાં યંગ ગુજરાત ન્યુ ઈન્ડિયા અંતર્ગત રાજ્યના યુવા ઉદ્યોગ સાહસિકો સાથે રસપ્રદ વાર્તાલાપ-ઈન્ટરેક્શન કરીને તેમના નવા વિચારોને જાણવાનો અભિનવ ઉપક્રમ યોજ્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો યંગ એન્ટરપ્રીનીયોર્સના સામર્થ્યને નિખાર આપવા વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટનો નવો વિચાર અમલમાં મૂકવાની નેમ વ્યક્ત કરી છે.

આ સંદર્ભે મુખ્યપ્રધાને જણાવ્યું કે પરંપરાગત બીબાઢાળ વ્યવસાયની સાથે હવે સમય સાથે ચાલીને નવી પ્રોડક્ટ અને નવા ઈનોવેશનથી ગુજરાતને વિશ્વન સ્પર્ધામાં અગ્રેસર બનાવવું છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે જો સમય સાથે નહીં ચાલીએ તો આપણે પાછળ રહી જઇશું.

આના પરિણામે રાજ્યની ઔદ્યોગિક વિકાસ યાત્રા સહિત સર્વગ્રાહી વિકાસને વેગ મળશે અને વાયબ્રન્ટ સમિટ સાથે નવી ઇકોનોમીને બૂસ્ટ મળશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સરકારનું મન ખુલ્લું છે અને સુચારૂ સૂઝાવને આવકારીને યોગ્ય પ્રક્રિયા કરીશું.

મુખ્યપ્રધાને જણાવ્યું કે આ યુવાશક્તિ જ નવા વિચારો, નવા આવિષ્કારો સાથે નયા ભારત – ન્યુ ઇન્ડિયા માટે ‘યંગ ગુજરાત ન્યુ ઇન્ડિયાથી શેપિંગ એ ન્યુ ઇન્ડિયા’ ના ધ્યેય સાથે અવ્વલ રહે એવું આહવાન તેમણે કર્યું હતું. ટેકનોલોજી અપગ્રેડેશન અને ડીઝીટલ ઇકોનોમી તથા ઇન્ટેલીજન્સી સાથે જૂની પરંપરાઓનો સમન્વય સાધી પરિવર્તનની લહેર ચલાવવી જ પડશે એમ પણ મુખ્યપ્રધાન રુપાણીએ કહ્યું હતું.ૉ

આ પ્રસંગે મુખ્ય સચીવ ડો.જે એન સિંહે જણાવ્યું હતું કે વિશ્વ આજે ઈન્ડસ્ટ્રીયલાઇઝેશન ૪.૦ તરફ ડગ માંડી રહ્યું છે. આવનારા સમયને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ સંચાલન માટે નવા આયામો નિર્માણ કરીને નયા ભારતનું નિર્માણ શેપિંગ આ ન્યુ ઇન્ડિયામાં ગુજરાતના યુવા ઉદ્યોગકારોના યોગદાનને આપણે મોટા પાયે જોડવું છે.

ભારત નવા સીમાચિન્હો પ્રસ્થાપિત કરી રહ્યું છે. ઘરેલુ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં 3જા સ્થાને પહોંચ્યું છે તેની પણ વિગતવાર ભૂમિકા મુખ્ય સચિવે આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યના યુવા ઉદ્યોગ સાહસિકો માટે પણ વિશાળ તકો રહેલી છે. મેગા ઇન્ડસ્ટ્રીઝ અને એમ. એસ. એમ. ઈ. ભારતના ઔદ્યોગિક વિકાસના પાયા છે ત્યારે રાજ્યના ઉદ્યોગોની વિકાસ કૂચે આ પાયાને વધુ મજબૂત બનાવ્યા છે.

સર્વગ્રાહી વિકાસને પ્રાધાન્ય આપી ઉદ્યોગકારો માટે પણ પોઝિટિવ એટીટ્યુડ ધરાવે છે.આ યુવા ઉદ્યોગકારો આવનારા દિવસોમાં ગુજરાતને  વિકાસના નવા સીમાચિહ્નો પાર કરાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉદ્યોગ અગ્ર સચિવ મનોજ કુમાર દાસે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યું છે અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનું સુચારુ વાતાવરણ ગુજરાતમાં છે તે જ યુવા ઉદ્યોગકારોને રાજ્યમાં ઇનોવેશન માટે પ્રેરિત કરે છે તેની છણાવટ કરી હતી. રાજ્યભરના યુવા ઉદ્યોગ સાહસિકો, એમ.એસ.એમ.ઇ. ક્ષત્રે કાર્યરત યુવાનો આ કોન્કલેવમાં જોડાયા હતા. આ કોન્કલેવમાં અરવિંદ લિમિટેડ, અદાણી ગ્રુપ, ક્લેરીસ ગ્રુપ, ટોરેન્ટ જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગ ગૃહોની યુવા પેઢીના ઉદ્યોગ સંચાલકોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

આ ઈન્ટરએક્શન મીટમાં નાણાંના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, જી.એ.ડી.ના અધિક મુખ્ય સચિવ સંગીતા સીંઘ તેમજ ઉદ્યોગ કમિશનર, પ્રવાસન અગ્ર સચિવ, આઇ.ટી અગ્રસચિવ અને જી.આઇ.ડી.સી.ના એમ.ડી. સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]