આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ-મશીન લર્નિંગ વિશે જીટીયુમાં વર્કશોપ

અમદાવાદઃ ઝડપથી બદલાતી જતી ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ, બ્લોક ચેઈન વગેરે અત્યાધુનિક ટેક્નોલોજીને લગતા ડિપ્લોમા અને સર્ટીફિકેટ કોર્સ શરૂ કરશે. આ કોર્સ ઓનલાઈન અને ઑફલાઈન બંને સ્વરૂપમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે. જીટીયુના વિદ્યાર્થીઓને રોજગારીની દૃષ્ટિએ વધારે સક્ષમ બનાવવા કૌશલ્ય વિકાસના કાર્યક્રમો યોજવામાં આવશે. તે ઉપરાંત પ્રાધ્યાપકોને અત્યાધુનિક ટેક્નોલોજી વિશે તાલીમ પૂરી પાડવા વધુ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામો યોજવામાં આવશે. જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.ડૉ.નવીન શેઠે ચાંદખેડા કેમ્પસમાં ઈમર્જીંગ ટેક્નોલોજી વિશે યોજાયેલા બે-દિવસીય વર્કશોપમાં આ જાહેરાત કરી હતી. આઈઆઈટી કાનપુરના સહયોગથી યોજવામાં આવેલા આ વર્કશોપમાં ગુજરાત અને રાજસ્થાનના 200 વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો ઉપસ્થિત હતા.

ડૉ. શેઠે વર્કશોપમાં વધુમાં જણાવ્યું હતું કે દુનિયાભરમાં ટેક્નોલોજી ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. જો તમે આગામી દસથી પંદર વર્ષમાં આધુનિક ટેક્નોલોજી પ્રત્યે ધ્યાન નહિ આપો તો તમારૂં કામકાજ નેસ્તનાબુદ થઈ જાય એવી શક્યતા છે. ગત વર્ષે ચીન તરફથી આઠ લાખ પેટન્ટ અરજીઓ દાખલ થઈ હતી, જ્યારે અમેરિકાએ આશરે સાડા છ લાખ પેટન્ટ અરજી ફાઈલ કરી હતી. જો કે ભારત માત્ર 53 હજાર પેટન્ટ અરજીઓ સાથે ઘણું પાછળ હતું. આ પરિસ્થિતિમાં સુધારો થાય તેના માટે જીટીયુ ઈનોવેશન કાઉન્સિલે સ્ટાર્ટ અપ અને ઈનોવેશનની મજબૂત ઈકો-સિસ્ટમ સ્થાપવા સઘન પ્રયાસો હાથ ધર્યા છે. તે પ્રવૃત્તિઓની એઆઈસીટીઈ દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે અને તેમાંની અમુક યોજનાઓને રાષ્ટ્રીય સ્તરે અમલી બનાવાઈ છે. હવે જીટીયુ તરફથી અત્યાધુનિક ટેક્નોલોજીને લગતા કોર્સ શરૂ કરવાની વિચારણા હાથ ધરાઈ રહી છે, ત્યારે જીટીયુની 452 કૉલેજોને તેનો લાભ મળશે. આવો કોર્સ શરૂ કરીને જીટીયુ ઉદ્યોગજગતની જરૂરિયાતો મુજબના કૌશલ્યો ધરાવતા વિદ્યાર્થી પૂરા પાડી શકશે અને તે રીતે મેઈક ઈન ઈન્ડિયા કાર્યક્રમમાં પ્રદાન કરી શકશે. આવો કોર્સ કરનાર વિદ્યાર્થીઓને આગામી વર્ષોમાં નોકરી તથા સ્વરોજગારી બંનેમાં બહેતર કામગીરી માટે સુસજ્જ બનાવશે, એવો અમને વિશ્વાસ છે.

વર્કશોપમાં માર્ગદર્શન આપવા તે ક્ષેત્રના નિષ્ણાત ડૉ. દિપુ ફિલીપને આઈઆઈટી કાનપુરથી ખાસ બોલાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘આગામી વર્ષોમાં ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ તેમજ સ્માર્ટ પરિવહન જેવી બાબતો મોટા પડકાર સમાન બની જશે. આવી સમસ્યાઓ હલ થાય તેના માટે વિદ્યાર્થીઓમાં લેટેસ્ટ ટેક્નોલોજીને લગતા કૌશલ્યો વિકસાવવા આવશ્યક બની ગયા છે. વિદ્યાર્થીઓ પરિવર્તનના પ્રેરક બને તે રીતે તેઓને સુસજ્જ કરવા જોઈએ. વર્કશોપમાં બીજા નિષ્ણાત ડૉ.આશુતોષ ખન્નાને નવી દિલ્હીની ઈન્ટરનેશનલ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટથી બોલાવવામાં આવ્યા હતા. તેમણે એવો મત વ્યક્ત કર્યો હતો કે વ્યૂહાત્મક દૃષ્ટિએ આપણે ભવિષ્યમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જ પડશે. ઉત્પાદકતા વધારવા તેના ઉપયોગ સિવાય બીજો કોઈ વિકલ્પ નહિ હોય. 21મી સદીમાં સિસ્ટમ કમાન્ડીંગ કંટ્રોલ સિસ્ટમની રહેશે. ભારતીય વાતાવરણમાં પણ લેટેસ્ટ ટેક્નોલોજીનો વધુને વધુ પ્રમાણમાં ઉપયોગ થશે. ભારતની વિશાળ વસતિને હવે વિપુલ તકો તરીકે જોવામાં આવી રહી છે. આવા સંજોગોમાં ભારતની સ્પર્ધા હવે વૈશ્વિક સ્તરે છે.

ઈનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ચેરમેન રોહિત સ્વરૂપે જણાવ્યું હતું કે આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે અને ભવિષ્યમાં તે તમામ ક્ષેત્રો માટે આવશ્યક બની જશે. ઈમર્જીંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતમાં પણ છેલ્લા પાંચ વર્ષમાં ઘણું થઈ ચૂક્યું છે. ઈમર્જીંગ ટેક્નોલોજી એટલે કેવળ કોડીંગ કે અલ્ગોરીધમનું સર્જન નહી પરંતુ તેની મુખ્ય ભૂમિકા આપણી આસપાસની સમસ્યાઓ વિશે જાણકારી મેળવીને તે ટેક્નોલોજીના ઉપયોગથી સમસ્યાઓને હલ કરવાની છે.

જીટીયુના ઓપન ડિઝાઈન સ્કૂલ તથા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સહયોગથી સ્થાપવામાં આવી રહેલા ડિઝાઈન ઈનોવેશન સેન્ટરના આસિસ્ટન્ટ પ્રોફેસર કર્મજીતસિંહ બિહોલાએ કહ્યું હતું કે જીટીયુ વિદ્યાર્થીઓના ઈનોવેટીવ આઈડિયાનું પ્રોડક્ટ કે સર્વિસમાં રૂપાંતર થાય તે હેતુસર હબ અને સ્પોક મોડલ આધારિત ડિઝાઈન ઈનોવેશન સેન્ટર શરૂ કરશે. તેનું હબ એટલે કે મુખ્ય કેન્દ્ર યુનિવર્સિટી સંકુલમાં રહેશે, જ્યારે સ્પોક રાજકોટ, સુરત અને મોડાસામાં સ્થાપવામાં આવશે. તેમાં અદ્યતન ફેબલેબ બનાવીને પ્રોડક્ટ ડિઝાઈન અને ડેવલપમેન્ટ તથા પ્રોટોટાઈપ વિકસાવવાથી માંડીને મેન્ટરીંગ અને પેટન્ટ ફાઈલ કરવાથી માંડીને તાલીમ અને સહાય સુધીની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.