બાળકોના અપહરણ, ચોરી-ભીખના ધંધા કરાવતી ગેંગ ઝડપી 17 બાળક છોડાવતી પોલિસ

અમદાવાદઃ મહિલા ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલા એક ઓપરેશનમાં ક્રાઈમ બ્રાંચે એક ખતરનાક ગેંગને પકડી પાડી છે. આ ગેંગ બાળકોનું અપહરણ કરીને તેમને ભીખ મંગાવતી અને ચોરી કરાવતી હતી. મહિલા ક્રાઈમ બ્રાંચ દ્વારા પંદર દિવસ રેકી કર્યાં પછી વટવામાં રેડ પાડવામાં આવી જ્યાં 12 છોકરીઓ સહિત કુલ 17 બાળકોને છોડાવવામાં આવ્યાં છે. સૌથી મહત્વની વાત એ છે કે ક્રાઈમ બ્રાંચ દ્વારા જે બાળકોને છોડાવવામાં આવ્યા છે તેઓ કોઈ બીજી જ ભાષા બોલે છે, જેથી બાળકોની તસ્કરીનું આ રેકેટ આંતરરાજ્ય રેકેટ હોવાની પોલીસને આશંકા છે. ત્યારે પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ

મળતી વિગતો અનુસાર શહેરની મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, શહેરમાં બાળકોની તસ્કરી કરતી એક ગેંગ સક્રિય છે અને બહારથી બાળકોને લાવીને તેમની પાસે ભીખ મગાવાનો ધંધો કરે છે. આથી મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સતત 15 દિવસ સુધી વોચ ગોઠવીને તમામ માહિતી એકત્ર કરી હતી અને પછી આ ઓપરેશન પાર પાડ્યું હતું.

મુખ્ય આરોપી આનંદી સલાટ

ટીમે ગુરૂવારે રાત્રે 3.30 કલાકે વટવામાં આવેલા માનવનગરના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે જ્યારે દરોડો પાડ્યો તો મકાનમાં 8 મહિનાથી માંડીને 20 વર્ષની યુવતી સુધીનાં 17 બાળકોને એક રૂમમાં પુરીને રાખવામાં આવ્યાં હતાં. પોલીસે આ મકાનમાંથી આનંદી સલાટ નામની એક મહિલા અને અન્ય એક પુરુષની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે આરોપી મહિલા આનંદીના સાગરીત સંપત સલમની પણ ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીએ કબુલ્યું કે, તેઓ બાળકોને અસહ્ય ત્રાસ આપીને તેમની પાસે શહેરના અલગ અલગ વિસ્તારમાં ભીખ મગાવતા અને ચોરી પણ કરાવતા હતા.

આ ટોળકીના ષડયંત્રનો પર્દાફાશ એક બાળકીની પૂછપરછમાં થયો છે. હકીકતમાં 9 મહિના પહેલાં વટવા વિસ્તારમાં ચોરીની એક ઘટના ઘટી હતી. તપાસ દરમિયાન સ્થાનિક પોલીસે બે બાળકીઓને પકડી હતી. આરોપી બાળકીની ઉંમર નાની હોવાના કારણે પોલીસે જે તે સમયે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેને સારંગપુર ખાતેના મહિપતરામ રૂપરામ આશ્રમ ખાતે મુકી હતી. અહીં પોલીસ અને આશ્રમના સંચાલકોના કાઉન્સેલિંગ દરમિયાન બાળકીએ આંચકારૂપ કબૂલાત કરી હતી. બાળકીએ કહ્યું કે, “કેટલાક લોકો તેની પાસે આ કામ કરાવી રહ્યાં છે. તેની આંખમાં મરચું આંજવામાં આવતું હતું અને શરીરે ડામ આપીને ચોરી કરાવાતી હતી. અસહ્ય માર મારીને તેની પાસે ભીખ મંગાવામાં આવતી હતી.”

આરોપી સંપત મુદલિયાર

આ ગેંગ દ્વારા પકડવામાં આવેલા બાળકો સાથે આ ગેંગના લોકો માનવતાની તમામ હદો વટાવીને અત્યાચાર કરતાં હતાં. આ ગેંગના લોકો માસૂમોની આંખમાં મરચાની ભૂકી આંજીને પછી તેમને ભીખ માંગવા મોકલતા હતા. તો સગીરાઓને રાત્રે ચોરી કરવા મોકલતાં. અને એમાં પણ જો ભીખ માંગીને બાળકો જો પૈસા ઘરે લઈને ન આવે તો, તેમને શરીર પર અસહ્ય ડામ આપવામાં આવતા. તો ગેંગની મુખ્ય સૂત્રધાર મહિલા બાળકોને અસહ્ય માર મારીને પોલીસથી બચવાના નુસખા પણ શીખવાડતી હતી.

બાળકોના શરીર પર ડામના નિશાન મળી આવ્યાં છે તે ખરેખર કોઈ કઠણ કાળજાના વ્યક્તિના હ્યદયને પણ પીગાળી દે તેવા હતાં. અને આ નિશાન બાળકો પર થતાં ક્રૂર અત્યાચારની ચાડી ખાઈ રહ્યાં હતાં. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે આ બાળકોને ક્યાંથી લાવવામાં આવ્યા તે પોલીસ માટે તપાસનો વિષય છે. બાળકો જે પ્રકારનું હિંદી બોલે છે તે જોતાં લાગી રહ્યું છે કે તેમનામાં દક્ષિણ ભારતની બોલીની છાંટ આવે છે. ત્યારે આ આખા રેકેટમાં આંતરરાજ્ય ગેંગ સંડોવાયેલી હોવાનું પોલીસે અત્યારે અનુમાન લગાવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ તપાસમાં શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાનું એક મોટુ રેકેટ બહાર આવે તેવી શક્યતાઓ છે. આ ગેંગનું પૂણે કનેક્શન પણ બહાર આવ્યું છે.