યુવતીએ કર્યો સીએમના બંગલે આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટ- મુખ્યપ્રધાન વિજય રુપાણી રાજકોટના ધારાસભ્ય પણ છે ત્યારે એક રજૂઆતને લઇને એક યુવતી દ્વારા સીએમ રુપાણીના બંગલે કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તરત તેની અટકાયત કરી લેવામાં આવી હતી.રાજકોટની હેતલ મકવાણા નામની યુવતીએ આત્મવિલોપનની ચીમકી આપી હોવાથી સીએમ રુપાણીના બંગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેથી યુવતીએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતાં જ તેની અને અન્ય ત્રણ વ્યક્તિની અટકાયત કરી પોલિસ સ્ટેશન લઇ ગયાં હતાં.

મહિલાની માગણી છે કે પડધરી પાસે થયેલી મારામારીના કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનું નામ ઉમેરવામાં આવે. થોડા દિવસ પહેલાં પડધરીના નાની અમરેલી ગામે મારામારી કેસમાં એફઆઇઆરમાં ભાજપના ધારાસભ્યનું નામ ઉમેરવા માગ ઉઠી છે. આ કેસમાં હવામાં ફાયરિંગ થયાં હતાં અને મારામારી થઇ હતી. ઈજાગ્રસ્ત રમેશભાઇ મકવાણાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. પોલીસ પર આક્ષેપ છે કે તપાસ ઢીલી થઇ રહી છે. રમેશભાઇની પત્ની હેતલ મકવાણા આ મુદ્દે ન્યાયની માગણી સાથે સીએમ બંગલે આવી હતી અને આત્મવિલોપનનો પ્રયાસ કરતાં મહિલા કર્મીઓ દ્વારા હેતલની અટકાયત કરી લેવાઇ હતી.