વિપ્રો દ્વારા જીટીયુના વિદ્યાર્થીઓ માટે મંગળવારે નોકરી ભરતી ઝુંબેશ

અમદાવાદ– ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ના ઈન્ટિગ્રેટેડ ટ્રેઇનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ તરફથી ૯ જાન્યુઆરીના રોજ કેન્દ્રીય નોકરી ભરતી ઝુંબેશ યોજવામાં આવશે. આ વખતે વિપ્રો ટેકનોલોજીસ કંપની આ ભરતી મેળામાં ભાગ લઈને વિદ્યાર્થી ઉમેદવારોને પસંદ કરશે.જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે કોલેજોને આ બાબતની માહિતી ધરાવતો પરિપત્ર મોકલવામાં આવ્યો હતો. તેમાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આમાંના એક હજાર વિદ્યાર્થીઓને જીટીયુ તરફથી પસંદગી કરી અમદાવાદ બોલાવવામાં આવ્યા છે.

આ ભરતી ઝુંબેશમાં ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. આ ટેસ્ટ બે કલાકની રહેશે. ત્યારબાદ કંપનીના પ્રતિનિધિઓ ઇન્ટરવ્યૂ લેશે. આ ઇન્ટરવ્યૂ એચઆર અને ટેકનિકલ એમ બે પ્રકારના રહેશે. એન્જિનિયરિંગના વિવિધ વિભાગો જેવા કે કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સર્કિટલ, મેકાટ્રોનિકસ બ્રાન્ચના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. જીટીયુ તરફથી ભવિષ્યમાં આવા નોકરી ભરતી મેળા વધુને વધુ પ્રમાણમાં યોજાય તેના માટે વિવિધ કંપનીઓ સાથે વાતચીત થઈ રહી છે. હવે પછી યોજાનારા પ્લેસમેન્ટ ફેરમાં જીટીયુ સાથે સંકળાયેલી કોલેજોના એન્જિનિયરિંગના અન્ય વિભાગો તેમજ ફાર્મસી અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવશે, એમ સેલના ઈન્ચાર્જ શ્વેતા બામ્બુવાલાએ કહ્યું હતું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]