રાહુલનો પલટવારઃ ઐય્યરની વાત કરનાર PM ભ્રષ્ટાચાર કેમ ભૂલી ગયાં

પાટણ– ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના દિવસે જ પીએમ મોદી અને રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે રેલી કરી રહ્યાં છે. પીએમ મોદી અને રાહુલ ગાંધીએ બન્ને એકબીજા પર શાબ્દિક હુમલા કર્યા છે. રાહુલ ગાંધીએ પાટણની રેલીમાં કહ્યું હતું કે પીએમ મણિશંકર ઐયર પર તો ખૂબ બોલ્યાં, પણ તેઓ ગુજરાતમાં પોતાના ભ્રષ્ટાચારને કેમ ભૂલી જાય છે. કેટલાક ઉદ્યોગપતિઓને ગુજરાતના ખેડૂતોની કીમતી જમીન ખૂબ જ સસ્તા દરે આપી દીધી છે. પીએમ હવે રોજગારીની વાત કરતા નથી. નોટબંધી વખતે તેમણે આખા દેશને લાઈનમાં ઉભો કરી દીધો હતો. નોટબંધીથી કાળા નાણાંવાળાઓને મોટો ફાયદો થયો છે.રાહુલ ગાંધીએ રેલીમાં જણાવ્યું હતું કે નોટબંધીથી વાત પુરી થઈ નથી, ત્યાં તો પીએમ મોદી ગબ્બરસિંહ ટેક્સ લાગુ કર્યો, ગબ્બરસિંહ ટેક્સમાં પાંચ જાતના ટેક્સ લાદ્યા છે. પીએમ મોદીએ જનતાને કહેવું છે કે તેઓ ચોકીદાર છે કે ભાગીદાર.

રાહુલે વધુમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે જાદુનો ખેલ છે, 33 હજાર કરોડ રૂપિયાની જમીન, તમારી વીજળી બધું ગાયબ થઈ ગયું છે. મઝા આવી ગઈ… પણ કોને 5-10 ઉદ્યોગપતિઓને. ત્યાર પછી આ ઉદ્યોગપતિઓ મોંઘા ભાવે આ જમીન વેચી નાંખી છે. તેનાથી સૌથી મોટુ નુકશાન ગુજરાતની જનતાનું થયું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘેરતાં રાહુલે કહ્યું કે ભાજપ જનતાને ભ્રમિત કરવા માટે વારેઘડીએ મુદ્દા બદલી રહી છે. ભાજપ કયારેક એમ કહી હતી કે તેઓ નર્મદાના મુદ્દે ચૂંટણી લડશે, પછી ખબર પડી કે ગામડાઓમાં નર્મદાનું પાણી જ પહોંચ્યું નથી, તે પછી ભાજપે નર્મદાનો મુદ્દો બાજુ પર મુકી દીધો છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપ પોતાની દરેક વાતો અને વચનોથી પાછળ હટી ગઈ છે. આ ચૂંટણી રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી માટે નથી. આ ચૂંટણી દેશના ભવિષ્ય માટે છે.