ગાંધીનગર બેઠકઃ અડવાણી નહીં, અમિતને મેદાનમાં ઊતારવામાં કારણો ગણો તો…

લાલકૃષ્ણ અડવાણી જે બેઠક પર 1998થી લોકસભા ચૂંટણી લડતા આવ્યાં તે બેઠક પર 2019 લોકસભા ચૂંટણી અમિત શાહ લડશે. ગાંધીનગરની બેઠક પર અમિત શાહનું નામ જાહેર કરી દીધું છે, ત્યારે ભાજપના આ નિર્ણયને કેટલાક લોકો મોદી-શાહની જોડી દ્વારા અડવાણીનું અપમાન અને તેમનું રાજકીય કેરિયર સમાપ્ત કરવાના રૂપમાં જોઈ રહ્યાં છે. ભાજપે અડવાણીની બેઠક પર અમિત શાહને લડાવવાનો નિર્ણય શા માટે કર્યો એ સવાલ પર બીજેપી તરફથી કે અડવાણી તરફથી કોઈ અધિકારીક નિવેદન નથી આવ્યું. પરંતુ એ વાતની સંભાવના ચોક્કસ છે કે, પાર્ટીએ આ નિર્ણય અડવાણીની સહમતિથી જ લીધો હશે. જોકે, તેમની સહમતિની પરિસ્થિતિ શું હશે તે વાત અલગ છે.

અડવાણીજી તેમની જિંદગીના સફરમાં સદી પૂર્ણ કરવાના નજીક છે. તેમનો જન્મ 1927માં 8 નવેમ્બરે કરાચીમાં થયો હતો. 1942થી તે આરએસએસ સાથે જોડાયેલા છે. 1970માં પ્રથમ વખત (રાજ્યસભા) સાંસદ અને 1977માં પ્રધાન બન્યાં. અટલ સરકારમાં તેઓ નાયબ વડાપ્રધાન પણ રહ્યાં હતાં. 186માં બીજેપીના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા. એટલે કે અડવાણી માટે વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ જેવા પદો જ રહી ગયા, જેના પર જવાની તેમની ઈચ્છા હોઈ શકે છે.

ભૂતકાળમાં એવી પણ ચર્ચા ચાલી હતી કે,  જ્યારે અટલ બિહારી વડાપ્રધાન બન્યા ત્યારે અડવાણી પોતે પણ વડાપ્રધાન બની શકતાં હતાં. પરંતુ કેટલીક રાજકીય મજબૂરીઓને કારણે તેમણે તેમનું નામ આગળ ન કર્યું. ભૂતકાળ જે રહ્યો હોય તે, પરંતુ છેલ્લાં 5 વર્ષમાં જે પરિસ્થિતિઓ સર્જાણી છે તે જોતાં અડવાણી માટે હવે વડાપ્રધાનનું પદ મેળવવું લગભગ અસંભવ છે, અને આ વાત તે પણ સારી રીતે સમજી ગયા હશે. આ સ્થિતિમાં રાજનીતિમાંથી સંન્યાસ લેવાનો તેમનો પોતાનો નિર્ણય પણ હોઈ શકે છે.

વૃદ્ધાવસ્થા…

જ્યાં સુધી સાંસદ બનવાની વાત છે તો, શારીરિક રીતે હવે આ જવાબદારી નિભાવવી અડવાણી માટે સરળ નથી. તો બીજી તરફ જેવી રીતે નરેન્દ્ર મોદીએ રાજકીય સંન્યાસ માટે ઉંમર મર્યાદા જાહેર કરી હતી તે જોતાં અડવાણી માટે ટિકિટની સંભાવના પહેલાંથી જ ખત્મ થઈ ગઈ હતી. ઉપરાંત તેમની રાજકીય સક્રિયતા છેલ્લા પાંચ વર્ષમાં ઘણી ઓછી જોવા મળી છે.

8 નવેમ્બર 2017ના રોજ 90માં જન્મદિવસ પર અડવાણી તેમની પુત્રી પ્રતિભા અડવાણી સાથે તેમના ઘર પર મહેમાનોનું સ્વાગત કરી રહ્યાં હતાં ત્યારે તેમને પુછવામાં આવ્યું હતું કે, શું તે ગુજરાત (વિધાનસભા ચૂંટણી) માં પ્રચાર કરવા જશે? ત્યારે અડવાણીની જગ્યાએ પ્રતિભાએ જવાબ આપ્યો હતો કે, નહીં, અમે આ દુનિયામાં ખુશ છીએ. અડવાણી તેમનો મોટાભાગનો સમય પુસ્તકો અને પુત્રી સાથે મુસાફરીમાં વિતાવતા રહ્યાં.આ તમામ પરિસ્થિતિઓને જોતાં એવું અનુમાન લગાવી શકાય કે, અડવાણીએ સ્વેચ્છાએ જ ચૂંટણી લડવાની ના પાડી દીધી હશે, અને મોદી શાહની જોડી માટે નિર્ણય લેવાનું સરળ કરી દીધુ હશે. અડવાણીની જગ્યાએ અમિત શાહને ઉમેદવાર જાહેર કરવાની વાત છે તો, તેની પાછળ અનેક કારણો હોઈ શકે છે.

અમિત શાહ ભાજપના અધ્યક્ષ છે, અડવાણીજી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ હતાં અને વરિષ્ઠ નેતા પણ રહી ચૂક્યા છે. માટે આ બેઠકનું સાંકેતિક મહત્વ પણ છે, જે ભાજપના સૌથી મોટા નેતાને ફાળવવામાં આવી છે. નરેન્દ્ર મોદી ગત ચૂંટણીમાં ગુજરાતની વડોદરા બેઠક પરથી પણ ચૂંટણી લડયા હતાં. જ્યારે આ વખતે તે અહીથી ચૂંટણી લડે તેવી સંભાવના ઓછી છે. આ સ્થિતિમાં મોદી તેમના સૌથી ભરોસાપાત્ર અને કદાવર નેતાને ગુજરાતથી ચૂંટણી લડાવીને ગુજરાતીઓને સંદેશો પણ આપવા માગતાં હોઈ શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]