ગુજરાતઃ હવે આ મતદાર યાદી ક્યારે સુધરશે….?

અમદાવાદ- ગુજરાત રાજ્યમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. સમગ્ર રાજ્યમાં ચૂટણી પહેલા જ ચૂંટણી આયોગ  દ્વારા ઠેર ઠેર હોર્ડિંગ્સ, અખબારો, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા જાહેરાતો કરાઇ છે કે મતદાર યાદીમાં પોતાનું નામ જોઇ લેવું તેમજ સુધારો હોય તો કરાવી લેવો. પરંતુ જાહેરાતો બાદ સ્થળ પરની વાસ્તવિકતા કંઇક ઓર જ છે.

જીલ્લાઓમાં બેઠકો પ્રમાણેની કચેરીઓમાં જ્યારે મતદાર પોતાના નામ, સરનામા સુધારવા જાય છે ત્યારે બાય બાય ચાયણી થાય છે. કેટલીક વિધાનસભાની ચૂંટણી કચેરીઓનો સ્ટાફ પ્રક્રિયાથી એકદમ અજાણ હોય તેમ વર્તે છે, એક ટેબલથી બીજા ટેબલ પર ફોર્મ અને માણસો ફંગોળાય છે. અચાનક આવી ચઢેલી જનમેદનીથી કેટલાક કર્મચારીઓ ડઘાઇ પણ જાય છે.

અમદાવાદ સ્થિત એક સજ્જન પોતાના ચૂંટણી કાર્ડમાં છપાયેલી ક્ષતિઓ સુધારવા પોલીટેકનીક ખાતેના દાણીલીમડા વિધાનસભા વિસ્તારની ચૂંટણીના કામકાજ માટેની ઓફિસમાં ગયા. ફોર્મ ચકાસ્યા બાદ કર્મચારીઓએ સજ્જનને  એક ટેબલથી બીજા ટેબલે ફેરવ્યા. એક ટેબલ પર કોમ્પ્યુટરમાં ચેક કરવા માટે એક કર્મચારી રાજી થયા પરંતુ ત્યાં જ નેટના ધાંધિયા છે એમ જવાબ મળ્યો. સવારથી જ નેટવર્ક ઠપ છે, અને નેટ બરોબર ચાલતુ નથી. છેલ્લા ઘણા મહિનાઓથી મતદાર યાદીમાં નામ સુધારવાનું કામ આ લોકો પાસે છે તો અત્યાર સુધી કર્યું શું ?

આ જ કચેરીમાં મતદાર યાદીમાં પોતાના નામ માટે અસંખ્ય લોકો આંટા મારતા જોવા મળ્યા.

નેટના ધાંધિયા અને સ્કીલ્ડ સ્ટાફના અભાવનો આ તો એક જ નમુનો અહીંયા પ્રસ્તુત છે, બાકી આખાય ગુજરાતની વિધાનસભાની ચૂંટણી અધિકારીઓની ઓફિસની સ્થિતિ હશે…એ જોવું રહ્યું.

નેટવર્કના ના મળતા ઓન લાઇન કામગીરી બંધ હોવાનું જણાવતા ધક્કા ખાતા નારાજ નાગરિકો બોલી ઉઠે છે., હવે આ મતદાર યાદી ક્યારે સુધરશે….?

અહેવાલ અને તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]