આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીમાં ઘટાડો, વરસાદની પણ શક્યતા

અમદાવાદઃ છેલ્લા ઘણાં સમયથી ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 41-42 ડિગ્રી પહોંચી ગયો છે. ત્યારે હવામાન ખાતાએ હવે સારા સમાચાર આપ્યા છે. હવામાન ખાતાના જણાવ્યાં અનુસાર આગામી 5 દિવસમાં ગરમીથી રાહત મળવાની શક્યતાઓ છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીથી રાહત પ્રાપ્ત થશે. તો બીજી તરફ, 9 અને 10 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પાંચ દિવસોમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે, જેને કારણે ગરમીનો પારો ઘટશે.

આ પાંચ દિવસોમાં તાપમાન 40 થી 41 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદમાં પણ ગરમીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. આગાહી મુજબ, રાજ્યમાં 9 અને 10 મેના રાજો વરસાદી ઝાપટા આવી શકે છે. 9 તારીખે કચ્છ અને રાજકોટના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તો 10 તારીખે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં વરસાદ દસ્તક આપી શકે છે.

શનિવારથી સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. ભૂજ, ગાંધીધામ, નરામાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. તો સાવરકુંડલા, ધારી, બાબરા, ચલાલા, સાબરકાંઠા, અંબાજીમાં પણ અચાનક વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી હતી. વાવાઝોડા ફાનીની અસરને લીધે ભરઉનાળે માવઠુ થતાં કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.