ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી, આ છે કારણ…

અમદાવાદઃ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ તાલુકાના 30 ગામોને ન મળતા પાણી મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ધોરાજી તાલુકાને ભાદર 2ની જૂથ યોજના અંતર્ગત પાણી પુરૂ પાડવામાં આવી રહેલ છે, અને આ યોજના અંતર્ગત 30 જેટલા ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે, ઓછા વરસાદના પગલે હાલ ભાદર 2 ડેમમાં પૂરતું પાણી ન હતું અને શિયાળો પૂરો થતાં જ ડેમનું તળિયું દેખાય ગયું છે.

અત્યારે ડેમમાં માત્ર ડેડ વોટર જ બાકી છે અને પાણી પુરવઠા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ધોરાજી તાલુકાના 30 ગામોને પીવાનું પાણી આપી શક્યા નથી, જેને લઈને આ 30 જેટલા ગામોના લોકો હેરાન પરેશાન છે, 30 ગામોના લોકો અને તેના આગેવાનો દ્વારા આ બાબતે ભૂતકાળમાં અનેક રજૂઆતો કરી છે પરંતુ તંત્ર કોઈ કામગીરી કરેલ નથી.

ઓછા વરસાદના પગલે ભાદર 2 ડેમ હાલ માત્ર ડેડ વોટર જ છે ને પાણી પુરવઠા બોર્ડ પાસે આ ડેડ વોટરમાંથી પણી ખેંચીને 30 જેટલા ગામોને પાણી આપી શકે તેમ નથી, સામે આવેલ આ પરિસ્થિતિને લઈ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મેદાનમાં આવ્યા છે અને પાણી પુરવઠા બોર્ડને ચીમકી આપેલ છે કે જો તારીખ 12 સુધીમાં આ 30 ગામોને પાણી પુરવઠો શરૂ નહીં થાય તો તેવો પાણી પુરવઠા બોર્ડની ઓફિસે ધામા નાખશે.

ઉનાળો શરૂ થતાં જ આ 30 ગામોની પાણી સમસ્યા સામે આવી ચૂકી છે અને પાણી મુદ્દે આંદોલનના મંડાણ થઈ ચૂક્યા છે ત્યારે રાજકીય પક્ષોએ રાજકારણ ને બાજુમાં મૂકીને પ્રજાને હકીકતમાં પાણી મળે તેવું કામ કરે તે યોગ્ય છે.