હાસ્ય લેખક વિનોદ ભટ્ટની સ્મૃતિમાં “વિનોદાંજલિનું” આયોજન

અમદાવાદઃ ગુજરાતીઓના હ્યદયમાં વસેલા હાસ્યલેખક વિનોદ ભટ્ટનું બુધવારે અવસાન થયું છે. તેમની સ્મૃતિમાં તેમના પરિજનો અને મિત્રો દ્વારા “વિનોદાંજલિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 28 મે અને સોમવારના રોજ સાંજે ચાર વાગ્યે ટાગોર હોલ પાલડી ખાતે આ વિનોદાંજલિનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી ભાષાના જાણીતા સર્જકો અને કલાકારો આ સ્મરણાંજલિ નિમિત્તે તેમની કલા પ્રસ્તુતિ કરશે.વિનોદાંજલિના આ કાર્યક્રમ પ્રસંગે રઘુવીર ચોધરી, રતિલાલ બોરીસાગર, માધવ રામાનુજ, ભાગ્યેશ જ્હા, અજય ઉમટ, અર્ચન ત્રિવેદી, કૃષ્ણકાંત ઉનડકટ, અને વિનય દવે સહિતના સર્જકો અને કલાકારો તેમના વિનોદ ભટ્ટ સાથેના સંસ્મરણો વાગોળશે. તો સાથે જ શ્યામલ-સૌમિલ અને આરતી મુનશી, ડો. ફાલ્ગુની શશાંક, ઐશ્વર્યા મજમુદાર, પ્રહર વોરા સહિતના જાણીતા કલાકારો દ્વારા સંગીતમય રીતે વિનોદાંજલિ પ્રસ્તુત થશે. કવિ રઈશ મણીયાર સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે.  આ પ્રસંગે વિનોદ ભટ્ટના પરિવારના સભ્યો અને સ્વજનો હાજરી આપશે. વિનોદભટ્ટના પરિવારજનો અને તેમના ચાહકવર્ગ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.