માતૃભાષાનું ‘વિનોદ’ હાસ્ય હંમેશ માટે વિરમ્યું, વિનોદ ભટ્ટના દેહનું દાન કરાયું

અમદાવાદ– ગુજરાતીઓ માટે માઠાં સમાચાર આવ્યાં છે. ગુજરાત અને ગુજરાતી ભાષાના લાડીલા હાસ્યલેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં નિધન થયું છે. તેમના નિધનના સમાચારના પગલે સાહિત્યજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિનોદ ભટ્ટ છેલ્લાં કેટલાક સમયથી બીમાર હતાં. આજે બુધવારે 11.05 વાગ્યે વિનોદ ભટ્ટ અંતિમ શ્વાસ લીધા હતા. અને સાંજે સાડા ચાર વાગ્યે તેમની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે નિકળી હતી, બેન્ડવાજાએ રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન વગાડીને ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું. વિનોદ ભટ્ટના દેહનું દાન એલ જી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ તેમના પત્ની નલિનીબહેનનું અવસાન થયું હતું. તેના ટૂંકા અંતરાલમાં જ વિનોદ ભટ્ટ પણ અનંતની કેડીએ ચાલી નીકળ્યાં છે. 28 જાન્યુઆરીએ નલિનીબહેનના અવસાન બાદથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમની તબિયત જ્યારે બગડી ત્યારે સાંજે યુરિનનું પ્રમાણ વધતાં દાખલ કરાએલા વિનોદ ભટ્ટને હોસ્પિટલમાં ઓક્સિજન પર રાખવામાં આવ્યાં હતાં. ત્યાર પછી તેમને ઘેર લઇ જવામાં આવ્યાં હતાં.

અંતિમ દર્શન

પદ્મશ્રી વિનોદ ભટ્ટનો જન્મ 14 જાન્યુઆરી 1938ના રોજ દહેગામ પાસેના નાંદોલમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. 1961માં અમદાવાદની એચ એલ કોમર્સ કોલેજના સ્નાતક થયાં બાદ તેમણે એલએલબી કર્યું હતું. ગુજરાતમાં ઉત્તમ હાસ્ય સાહિત્યકારોની શ્રેણીમાં નામ નોંધાવનાર વિનોદ ભટ્ટ વ્યવસાયે ટેક્સ સલાહકાર હતાં.

દેહદાન માટે વિદાય પહેલાં અંતિમ દર્શન

વિનોદ ભટ્ટ ગુજરાતી ભાષાની સેવા કરતાં લેખક પૈકીના એક માનવામાં આવ્યાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ રહી ચૂક્યાં હતાં. ગુજરાતના દૈનિકોમાં પ્રસિદ્ધ થતી તેમની કોલમોનો ગુજરાતીઓને ઇન્તેઝાર રહે તે રીતે તેમનાં લખાણો મશહૂર હતાં. તેમની મગનું નામ મરી અને ઇદમ તૃતીયમ કોલમ ઘણી જાણીતી હતી.

‘ચિત્રલેખા’માં વિનોદ ભટ્ટનું વિશેષ યોગદાન રહ્યું હતું, તેમની અનેક લેખમાળાઓ ‘ચિત્રલેખા’માં પ્રગટ થઈ ચુકી છે, અને તેમનો ચિત્રલેખા પ્રત્યેનો પ્રેમ અનન્ય હતો.

ગુજરાતી ભાષામાં તેમણે અખબારી કલમ ઉપરાંત શુદ્ધ સાહિત્યક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન આપેલું છે. પહેલું સુખ તે મૂંગી નાર, આજની લાત, વિનોદ ભટ્ટની અ-રહસ્ય કથાઓ સહિત 21થી વધુ હાસ્ય પુસ્તક, નર્મદ, ક. મા. મુનશી, જ્યોતિન્દ્ર દવે, ચાર્લી ચેપ્લિન, બર્નાડ શૉ, એન્તોવ ચેખોવના ચરિત્ર પુસ્તકો અને સંપાદન પુસ્તકો, હિન્દી અને સિંધી ભાષામાં પણ પુસ્તકો આપ્યાં છે.

ગુજરાતી સાહિત્યકાર તરીકે તેમણે ખ્યાતિપ્રાપ્ત એવોર્ડઝ પણ મેળવ્યાં હતાં જેમાં કુમાર ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, રમણભાઇ નીલકંઠ પુરસ્કાર, જ્યોતિન્દ્ર દવે પુરસ્કાર પણ શામેલ છે. તેમના જીવન પર દસ્તાવેજી ફિલ્મ પણ બની છે.સીએમ વિજય રૂપાણીએ શોક સંદેશો પાઠવ્યો

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મૂર્ધન્ય હાસ્ય લેખક વિનોદ ભટ્ટના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રધાંજલિ પાઠવી છે. મુખ્યપ્રધાને શોક સંદેશમાં કહ્યું છે કે માર્મિક શૈલીમાં પોતાના હાસ્યલેખ અને લેખમાળાઓ પુસ્તકો દ્વારા વિનોદભાઈએ સમાજ જીવનની વાસ્તવિકતાઓનું બખૂબી નિરૂપણ કર્યું છે, વિજયભાઈએ સદ્દગતને અંજલિ આપતા ઉમેર્યુ કે તેમના દુઃખદ નિધનથી ગુજરાતી સાહિત્ય જગતને ન પુરાય તેવી ખોટ પડી છે.

વિનોદ ભટ્ટના અવસાનના એક દિવસ પહેલાની તસ્વીર

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિનોદ ભટ્ટની મંગળવારે મુલાકાત લીધી હતી, અને તેમના ખબરઅંતર પણ પૂછ્યાં હતાં, અને અડધા કલાકનો સમય તેમની સાથે ગાળ્યો હતો. વિનોદ ભટ્ટ બોલી શકતાં ન હતાં, પણ તેમણે હાથ હલાવીને વાતચીત કરી હતી.

શંકરસિંહ વાઘેલાએ અર્પી શ્રદ્ધાંજલિ

​સુપ્રસિદ્ધ હાસ્ય લેખક, સાહિત્યકાર અને મારા સહાધ્યાયી એવા વિનોદ ભટ્ટના અવસાન બદલ ઘેરા દુ:ખની લાગણી અનુભવું છુ. ગુજરાતમાં જ્યોતીન્દ્ર મહેતા પછીના મહાન હાસ્ય લેખક હતા. તેઓના લેખનમાં માત્ર હાસ્ય જ નહી પણ તેની પાછળ મામિર્કતા પણ છુપાયેલી હતી. તેઓ જીવનમાં સમાજને હાસ્ય પીરસતા રહ્યા. આજે તેઓના નિધનથી ગુજરાતને એક મોટા ગજાના હાસ્ય લેખક ગુમાવ્યાં છે. તેમના પત્ની થોડા સમય પહેલાં જ સ્વર્ગવાસી થયાં હતાં.
​પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ આપે અને તેમના કૂટુંબીજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રભુને પ્રાર્થના.

(તસવીરો- પ્રજ્ઞેશ વ્યાસ)
​​​​​​​