વાયબ્રન્ટ સમિટઃ 15,521 ઉદ્યોગો દ્વારા રુ.4.20 લાખ કરોડનું મૂડી રોકાણ થયું

ગાંધીનગર– વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૫ દરમિયાન કુલ ૨૧,૩૦૪ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન મંજૂર થયા છે, તે પૈકી ૧૩,૫૪૪ પ્રોજેક્ટ ઉત્પાદનમાં ગયા છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન વાયબ્રન્ટ સમિટ-૨૦૧૫ અન્વયે ઉત્પાદનમાં ગયેલાં પ્રોજેક્ટ સંદર્ભના પ્રશ્નનો ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલે ઉત્તર પાઠવ્યો હતો.સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઉત્પાદનમાં ગયેલા ૧૩,૫૪૪ પ્રોજેક્ટ ઉપરાંત ૧,૯૭૭ ઉત્પાદન પ્રક્રિયા હેઠળ છે. આમ કુલ ૧૫,૫૨૧ એકમો દ્વારા રાજ્યમાં અંદાજે ૪ લાખ ૨૦ હજાર ૬૭૩ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. આ ઉદ્યોગો દ્વારા ૬.૭૦ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે. રાજ્ય સરકાર ૮૫ ટકા સ્થાનિક લોકોને રોજગારી મળે તે વાતનું પૂરતું ધ્યાન રાખે છે.

આવી સમિટમાં રજૂ થતાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન સંદર્ભે ઓનલાઇન સિસ્ટમ અમલમાં મૂકાઇ છે. જેમાં ઇન્ટેન્શન્સની ઓન લાઇન નોંધણી કરાવનારા રોકાણકારને યુઝરનેમ-પાસવર્ડ ફાળવવામાં આવે છે. ઉપરાંત આવા ઉદ્યોગ-રોકાણના મોનીટરીંગ માટે જવાબદાર અધિકારીઓને ફરજ સોંપાઇ છે. જે સંદર્ભે કલેક્ટર કક્ષાથી લઇને મુખ્ય સચિવ અને મુખ્યપ્રધાન ક્ક્ષાએથી મોનીટરીંગ થાય છે. ઉદ્યોગ સ્થાપવામાં પડતી મુશ્કેલી-સમસ્યાઓનું પણ ઓનલાઇન નિરાકરણ થાય છે. રાજ્યમાં ઉદ્યોગ સ્થાપવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ ગોઠવવામાં આવી છે અને ઈજ ઓફ ડુઇંગ બિઝનેસનું ખાસ ધ્યાન રાખી રાજ્યમાં ઉદ્યોગો માટે મૈત્રીપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરાયું હોવાનું પણ જણાવ્યું હતું. આ સમિટ માટે ઉચ્ચ અધિકારીઓ-ઉદ્યોગકારોના બનેલાં ૧૦ જેટલાં પ્રતિનિધિ મંડળો જુદા જુદા દેશોની મુલાકાત લઇ આ સમિટ માટે નિમંત્રણો પાઠવ્યા હતા. આ દેશો પૈકી ગુજરાત સાથેના વ્યાપાર સંબંધોને ધ્યાને લઇ પાર્ટનર કન્ટ્રીની પસંદગી કરવામાં આવે છે. આ સમિટ દરમિયાન રૂા.૬૧.૫૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]