VB2019: વેપાર અને નિકાસ માટે આંતરાષ્ટ્રીય સ્તરે આ છે આયોજન

ગાંધીનગર- રાજ્યમાં વેપાર અને નિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ–2019 દરમિયાન 19 જાન્યુઆરીના રોજ વિશેષ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ગુજરાત સરકાર અને જીસીસીઆઈ, ફિક્કી અને સીઆઈઆઈના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 53 ઈન્ટરનેશનલ ચેમ્બર્સ ઑફ ટ્રેડ અને કોમર્સ ભાગ લેશે. આ વખતે વાયબ્રન્ટ સમિટ અનેકવિધ ક્ષેત્રે ખાસ મહત્વરૂપ બની રહેશે.

આ કોન્ફરન્સમાં ભાગીદાર દેશો સહિત 53થી વધુ ઈન્ટરનેશનલ ચેમ્બર્સ તેમજ અન્ય દેશોએ પોતાની ભાગીદારી માટે સંમતિ દર્શાવી છે. જેમાં મુખ્યત્વે ઈન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ, દુબઈ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, તાઇવાન કમ્પ્યુટર એસોસિએશન, તાઈવાન એક્સર્ટનલ ટ્રેડ ડેવલપમેન્ટ કાઉન્સિલ, જાપાન-એક્સર્ટનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જેટ્રો), યુ.એસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ અને સિંગાપોર ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આ વૈશ્વિક કોન્ફરન્સમાં દેશભરની ચેમ્બર્સ ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ પણ ભાગ લેશે અને વેપાર તેમજ નિકાસ માટે વધુ તકોની ઉપલબ્ધિ ઉપર પરામર્શ કરશે. રાજ્યમાં વેપાર અને નિકાસને વધુ પ્રોત્સાહન આપવા આ કોન્ફરન્સ માઈલસ્ટોન સાબિત થશે.

આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો –એમએસએમઈ માટે ખાસ કન્વેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, આ કન્વેન્શન ભારત અને વિદેશના એમએસએમઈ ક્ષેત્રના પ્રતિનિધિઓ માટે પરસ્પર સંવાદ અને પારસ્પરિક લાભ મેળવવાનું  સહિયારું પ્લેટફોર્મ બની રહેશે.

આ કોન્કલેવ વૈશ્વિક વ્યવસાય, ટેકનોલોજી ટ્રાન્સફર અને લાંબા સમય માટેના બિઝનેસનું એમએસએમઈ સાથે જોડાણ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્બર ઓફ કોમર્સને ભાગીદાર બનવાની નવીન તકો ઉભી કરશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી ગ્લોબલ સમિટના બીજા દિવસે એટલે કે, 19 જાન્યુઆરીના રોજ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને કેન્દ્ર સરકારના એમએસએમઇ મંત્રાલયના રાજ્યપ્રધાન ગિરિરાજસિંહ એમએસએમઇ કન્વેન્શનનું ઉદ્દઘાટન કરશે.

ઉદઘાટન સત્રમાં સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (એસઆઈડીબીઆઈ) દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ એમએસએમઈ ક્ષેત્રના ઉદ્યોગો માટે ‘લોન અંડર 59 મિનિટ્સ સ્કીમ’ હેઠળ રૂ. 1 કરોડ સુધીની લોન  આપવાની સરળ પ્રક્રિયાનું ઓનલાઈન પોર્ટલથી જીવંત નિર્દેશન કરવામાં આવશે. આ કન્વેન્શનના ઉદ્દઘાટન સત્ર બાદ વિવિધ ટેકનિકલ સત્ર પણ યોજાશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ એમએસએમઇ કમિશનરેટ દ્વારા ૨૩,૪૨૭ ઔધોગિક એકમોને મૂડી રોકાણ અને વ્યાજ સબસિડી આપવામાં આવી છે. રાજ્યમાં એમએસએમઈ ક્ષેત્રે થયેલા કુલ રૂ. ૩૧,૬૮૬ કરોડના મૂડી રોકાણમાં રાજ્ય સરકાર દ્વારા સહાયરૂપે કુલ રૂ. ૧,૩૭૬ કરોડ ફાળવવામાં આવ્યા છે જેના પરિણામ સ્વરૂપે  સમગ્ર રાજ્યમાં ૧,૮૯,૪૫૨ જેટલી રોજગારીનું સર્જન થયું છે. જીઆઈડીસી દ્વારા ઔદ્યોગિક એકમોને ભાડા પર પ્લગ એન્ડ પ્લે શેડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ અંતર્ગત જુનેદ, હાલોલ, સાણંદ, બારડોલી અને કાલાવડમાં વિશેષ રીતે ઓછામાં ઓછા પાંચ એમએસએમઈ ઔદ્યોગિક પાર્ક સાથે કુલ ૧,૮૪૧ પ્લોટ વિકસાવવામાં આવી રહ્યા છે. એમએસએમઇ પાર્ક સિવાય જીઆઈડીસી દ્વારા ડિઝાઇન, તકનીકી અને કાનૂની સમસ્યાઓના સમાધાન માટે એમએસએમઇ હેલ્પડેસ્ક પણ ઉભું કરાઇ રહ્યું છે.