વાયબ્રન્ટ ગુજરાતની ધમાધમ, એપેરેલ સેક્ટરમાં રોકાણ અંગે થયાં MOU

ગાંધીનગર- ગુજરાતની આગવી વૈશ્વિક ઓળખ સમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડી ૨૦૧૯માં યોજાશે તે પૂર્વે મુંબઇમાં ઉદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ સાથે સીએમ રૂપાણીએ કર્ટેઇન રેઇઝર ઇન્ટરેકટીવ મીટ યોજી હતી.

મુખ્યપ્રધાનની ઉપસ્થિતમાં ગુજરાત સરકાર અને ઇન્ટીમેટ એપેરેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા વચ્ચે એપેરેલ સેકટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે સર્વિસિસ પ્રોવાઇડરના એમઓયુ કરવામાં આવ્યાં હતાં.

મુખ્યપ્રધાને કહ્યું કે, ગુજરાતે માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહી પરંતુ ફાયનાન્સિયલ  સર્વિસિસ, એરોસ્પેસ, ડીફેન્સ, ઇલેકટ્રોનિકસ અને લોજીસ્ટીકસ તેમજ મીડિયા અને એન્ટરટેઇમેન્ટ ક્ષેત્રે પણ રોજગાર સર્જનથી સર્વગ્રાહી વિકાસનો છેવાડાના માનવીને લાભ મળે તેવી ઇકો સીસ્ટમ ઊભી કરી છે.

વધુમાં કહ્યું કે, ન્યુ ઇન્ડિયાના વિઝનને પાર પાડીને શેપિંગ અ ન્યુ ઇન્ડિયાની થીમ સાથે યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯ ના માધ્યમથી ગુજરાત ઇન્કલુઝીવ ગ્રોથનું મોડેલ દેશને પુરૂ પાડશે.  દેશની આર્થિક રાજધાની મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ પુર્વે યોજાયેલો આ રોડ શો ગુજરાત-મહારાષ્ટ્રના પરસ્પરના સંબધોને નવી ઉંચાઇ આપશે,  મુંબઇ આર્થિક રાજધાની છે તો ગુજરાત ભારતના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસિદ્ધ છે.

ઔદ્યોગિક ઉત્પાદન, પોર્ટસ એન્ડ મેરિટાઇમ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને પર્યટનમાં બન્ને રાજ્યોએ શાનદાર સિદ્ધિઓ મેળવી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાતે મહેનત, સાહસિકતા, પ્રગતિશીલ શાસન વ્યવસ્થા, ડાયનેમિક નીતિઓ અને સમર્પિત નેતૃત્વ વડે વિકાસની નવી પરિભાષા લખી અને હવે તો મા ભારતીના બે પુત્ર – મહારાષ્ટ્ર અને ગુજરાત આજે ભારતના આર્થિક બેકબોન બન્યા છે.

કોઇ પણ રાજ્ય કે દેશના વિકાસ માટે વ્યાપારને અનુકૂળ નીતિઓ જરૂરી છે, એ ઉપરાંત વ્યાપારને અનુકૂળ માહોલ પણ આપવો પડે છે. તો જ સર્વાંગી વિકાસ શક્ય બને. ગુજરાત વેપાર કરનારો, વેપાર શીખવનારો અને વેપારને જીવી જાણનારો પ્રદેશ છે. ગુજરાતની હવા અને વાતાવરણમાં જ કંઈક એવું છે કે જે ગુજરાતમાં આવે તે ગુજરાતનો જ બની જાય.

ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટની જાન્યુઆરી-૧૯ માં યોજાનારી નવમી કડી ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ, ન્યૂ ઇન્ડિયા અને ન્યૂ ટેક્નોલોજી ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરશે.આ વખતની ઇવેન્ટમાં ભારત જ નહીં પણ આખી દુનિયા નવી નવી ટેક્નોલોજી અને કન્સેપ્ટ્સને પહેલી જ વાર જોશે તથા દરેક ગુજરાતીની સાથોસાથ પ્રત્યેક ભારતીય માટે પણ નવી આશાઓ અને અવસરોનો ખજાનો લઇને આવશે..

ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા જુદા જુદા ક્ષેત્રોમાં વિપુલ શકયતાઓ રહેલી છે. જેના કારણે ૩૪૭ જેટલી સૌથી વધુ ઉદ્યોગ સ્થાપવા દરખાસ્તો માત્ર નવ મહિનામાં સરકારને મળી છે. રાજય સરકારે ઉદ્યોગ માટે સરળ પોલીસીઓ બનાવી છે. ગુજરાતમાં ૩૦ લાખ જેટલા એમએસએમઇ ઉદ્યોગો છે. આ ઉદ્યોગો દ્વારા રોજગારીની તકો સહિત સર્વાંગી વિકાસની એક આગવી ઇકો સીસ્ટમ ગુજરાતમાં ઊભી થઇ છે.