રોકાણ માટે ગુજરાત જ પહેલી પસંદ, યોગી ન આકર્ષી શક્યાં રોકાણકારો

ગાંધીનગરઃ ઉત્તર પ્રદેશને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર માનવામાં આવે છે. આ રાજ્ય દેશની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. કાર્યકાળ સંભાળ્યાની સાથે જ યોગી સરકારે રાજ્યમાં રોકાણ વધારવા માટે નીતિગત બદલાવ કર્યા છે. આમ છતા પણ તેઓ રોકાણકારોને આકર્ષી શક્યા નથી. અત્યારે પણ ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ અનુસાર ગત બે વર્ષમાં ઉત્તર પ્રદેશમાં માત્ર 5.14 ટકા રોકાણકારોએ રોકાણ કર્યું છે જ્યારે ગુજરાતમાં 21.3 ટકા રોકાણકારોએ રોકાણ કર્યું છે.

મંત્રાલયે જાન્યુઆરી 2017 થી જાન્યુઆરી 2019 સુધી કુલ રોકાણનો રાજ્યવાર આંકડો જાહેર કર્યો છે. આ અનુસાર વર્ષ 2017માં કુલ 1972 કોરાણકારોએ દેશમાં રોકાણ કર્યું છે. આમાંથી માત્ર 70 રોકાણકારોએ ઉત્તરપ્રદેશને પસંદ કર્યું છે, જ્યારે 428 લોકોએ રોકાણ કરવા માટે ગુજરાતની પસંદગી કરી છે. 2018માં 2173 નિવેશકો પૈકી 148 લોકો ઉત્તર પ્રદેશમાં રોકાણ કર્યું જ્યારે 464 રોકાણકારોએ ગુજરાતમાં રોકાણ કર્યું. જાન્યુઆરી 2019માં પણ 155 રોકાણકારો પૈકી માત્ર 3 રોકાણકારોએ યુપીમાં રોકાણ કર્યું જ્યારે 25 રોકાણકારોએ ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળ્યો. કુલ મિલાવીને 4300 રોકાણકારો પૈકી 221 રોકાણકારોએ ઉત્તર પ્રદેશ અને 917 લોકોએ ગુજરાતમાં રોકાણ કર્યું.

2017માં દેશમાં કુલ 3.95 લાખ કરોડ રુપિયાનું રોકાણ કરવામાં આવ્યું. આમાંથી ઉત્તર પ્રદેશમાં 12,224 કરોડ રુપિયાનું રોકાણ થયું, જ્યારે ગુજરાતમાં 79,068 કરોડ રુપિયાનું રોકાણ થયું. વર્ષ 2018માં કુલ 4.58 લાખ કરોડ રુપિયાના રોકાણમાંથી 26,262 કરોડ રુપિયા ઉત્તર પ્રદેશ અને 79,433 કરોડ ગુજરાતને મળ્યા. જાન્યુઆરી 2019માં 19,982 કરોડ રુપિયા પૈકી 424 કરોડ ઉત્તર પ્રદેશ અને 6,264 કરોડ રુપિયા ગુજરાતમાં રોકવામાં આવ્યા. કુલ મીલાવીને 8.73 લાખ કરોડ રુપિયા પૈકી 38,910 રુપિયા ઉત્તર પ્રદેશને મળ્યા. ગુજરાતને કુલ રોકાણ પૈકી 1,64,765 કરોડ રુપિયા પ્રાપ્ત થયા.

ગુજરાત સીવાય મહારાષ્ટ્રમાં કુલ 804 રોકાણકારોએ રોકાણ કર્યો. આ રોકાણકારોએ મહારાષ્ટ્રમાં 1.38 લાખ કરોડ રુપિયાનું રોકાણ કર્યું. કર્ણાટકમાં 359 રોકાણકારોએ 2.44 લાખ કરોડ રુપિયાનું રોકાણ કર્યું. આંધ્ર પ્રદેશમાં 323 રોકાણકારોએ કુલ 49,549 કરોડ રુપિયાનું રોકાણ કર્યું. રાજસ્થાનમાં 203 રોકાણકારોએ 51,946 કરોડ રુપિયાનું રોકાણ કર્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]