બીનસચિવાલય પરીક્ષા મામલે ભેરવાયેલી સરકાર હવે આ ભરતીમાં વેઇટીંગ લીસ્ટ બનાવશે

ગાંધીનગરઃ લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આ મામલે માહિતી આપતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક જ સંવર્ગ માટે પરીક્ષાઓ યોજાતી હોય માત્ર તેવા પ્રસંગોએ જ અત્યાર સુધી વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવતું હોય છે. પરંતુ, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં એકથી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી – ૨૦૧૯માં લેવાયેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવ્યું નહોતું. આ બાબતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆતો થતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવાનોને સરકારી સેવામાં તક મળે એ માટે આવા નિયમોમાંથી છૂટછાટ આપીને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં ખાસ કિસ્સામાં આ વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલ પરીક્ષામાં વિવિધ સંવર્ગમાં જે ભરતીઓ થઇ છે તેમાં યુવાનો ઘણી વાર હાજર થતા નથી તથા અન્ય જગ્યાએ નિમણૂક થતાં પણ નોકરી છોડીને જતા રહેતા હોય છે. તેમજ ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઇ જતી હોઇ, તેવા ઉમેદવારોને પણ તક મળે તે આશયથી આવી ખાલી પડેલ જગ્યાઓ ભરવા સારૂ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી – ૨૦૧૯માં લેવામાં આવેલી પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે.

ગૃહમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧.૨૦ લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે, તે જ રીતે ગૃહ વિભાગમાં પણ છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજારથી વધુ યુવાનોની ભરતી કરીને નોકરી પૂરી પાડી છે. તેમજ લોકરક્ષકમાં પણ ચાલુ વર્ષમાં ૮,૧૩૫ યુવાનોને નોકરીની તકો પૂરી પાડી જિલ્લા ફાળવણી કરી દેવામાં આવી છે. તેમજ, ૧,૫૭૮ જેટલી સામાન્ય સંવર્ગની મહિલા લોકરક્ષકની જગ્યા માટેની દસ્તાવેજ ચકાસણી અને અન્ય કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થયેથી ટુંક સમયમાં તેઓનું પણ પરિણામ પ્રસિધ્ધ કરી જિલ્લા ફાળવણી કરવામાં આવશે. તે જ રીતે ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી વર્ષમાં પણ ૧૨ હજારથી વધુ  જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]