કેમ્પસને પ્રદૂષણમુક્ત રાખવા યુનિવર્સિટીએ જાહેર કર્યો વાહન પ્રતિબંધ

વડોદરા- વડોદરાના વઘોડિયામાં આવેલી પારુલ યુનિવર્સિટીએ તેના કેમ્પસને પ્રદૂષણ મુક્ત રાખવા એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં કેમ્પસ ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે, પારુલ યુનિવર્સિટીએ કેમ્પસની અંદર પેટ્રોલ- ડીઝલના વાહનો લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, અને તેના બદલામાં પરિવહનના એકમાત્ર સાધન તરીકે સાયકલને રજૂ કરી છે.

ગ્રીનર અને ક્લીનર પર્યાવરણના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, યુનિવર્સિટીએ પ્રથમ તબક્કે 4 સ્ટેન્ડ મારફતે 100 સાયકલ કેમ્પસમાં મુકી છે. આ સાયકલનો ઉપયોગ રાઇડર્સ તેમની અનુકૂળતા મુજબ કલાકો, દિવસો, અઠવાડિયા અથવા મહિનાઓ માટે ઓછામાં ઓછા ખર્ચે ભાડે લઈ શકે છે.

આ ઉપરાંત યુનિવર્સિટીએ એવો નિર્ણય લીધો છે કે, એક વખત કેમ્પસ પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને સ્ટાફ સહિત દરેકને તેમના વિભાગો સુધી પહોંચવા કાં તો સાયકલની મદદ લેવી પડશે અથવા તો પગે ચાલીને જવું પડશે.

પારુલ યુનિવર્સિટીના ચેરમેન દેવાંશુ પટેલે કહ્યું કે, “અમારું કેમ્પસ 120 એકરથી વિસ્તારમાં ફેલાયેલું છે, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઘણી વખત ફરિયાદ કરે છે કે કેમ્પસની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવામાં ઘણો સમય લાગે છે. અમને હેક્સી બાઇકની દરખાસ્ત મળી. હાલ પ્રારંભિક તબક્કે 100 સાયકલ કેમ્પસમાં મુકવામાં આવી છે.