અંબાજી પદયાત્રીઓનો પ્રવાહ શરુ, સેવા કેમ્પોનો ધમધમાટ, નોખીઅનોખી વાત…

અમદાવાદ– પર માટે પરસેવો પાડવો સહેલો નથી હોતો અને તેમાં પણ આજના અતિવ્યસ્ત સમયમાં પોતપોતાના કામકાજને લઇને કુંટુંબપરિવાર માટે પણ સમય ફાળવવો અઘરો છે.અંબાજી પદયાત્રીઓ માટે કેમ્પ યોજાવા શરુ થઈ ગયાં છે ત્યારે એક એવા કેમ્પનો પરિચય કરાવીએ જે સાચે જ ‘સેવા’ નો અનુભવ કરાવે છે. અંબાજી જતાં પદયાત્રીઓની સેવામાં નિજનો પરિવાર અને કામજકાજ પાંચ દિવસ માટે ત્યજીને અમદાવાદની એક સંસ્થા વર્ષોથી સેવા કેમ્પ યોજી રહી છે. અમદાવાદના સીટીએમ સ્થિત શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હરિ ઓમ શ્રી પરિવારના ઉપક્રમે આ વર્ષે સાતમો સેવા કેમ્પ શરુ થઈ ચૂક્યો છે.આ સેવા કેમ્પમાં વધુ એક ખાસિયત છે કે આ કેમ્પમાં તમને કોઈ ધંધાદારી રસોઇયા નહીં પણ ગૃહિણીઓના હાથે ત્યાં સ્થળ પર જ બનાવેલ ગરમાગરમ નાસ્તો-ચાપાણી અને જમવાના સમયે ભોજન મળી રહે છે. તો આ કેમ્પમાં યુવાન દીકરાદીકરીઓ પણ પદયાત્રીઓની સેવા માટે દોડીદોડીને કામ કરતાં જોવા મળે છે. કોઈપણ જ્ઞાતિજાતિ કે વર્ણના ભેદભાવ વિના આ પરિવારમાં સૌ કોઈ પોતાનો ફાળો ઉમંગથી આપે છે, તેમાં નાણાં પણ છે, સમયદાન પણ છે, શ્રમદાન પણ છે, દવાદાન પણ છે અને પદયાત્રીઓને માટે આરામનુ દાન પણ મળે તેવી સુચારુ વ્યવસ્થા ગોઠવાઈ છે. ઉલ્લેખનીય છે કે એકપણ રુપિયાનું દાન આ સંસ્થામાં બહારથી લેવામાં આવતું નથી. જે કાંઈ થાય છે તે મધ્યમવર્ગીય આ પરિવારજનો પોતે જ કરે છે.

અદકેરું તો એ છે કે કોઈપણ જાતના પ્રોફેશનલ્સની સહાયતા વિના સમગ્ર સંચાલન પણ આ સૌ આબાલવૃદ્ધો જ કરે છે. દિવસે તો ખરાંં, રાત્રે પણ યાત્રાળુઓ સૂવાપાથરણાંની સુવિધા માણી રહ્યાં હોય કે પદયાત્રીઓને મસાજ કરતાં યુવાઓના દ્રશ્યોમાં તેમનો થાક ઊતારી દે તે પ્રકારની આગતાસ્વાગતા પણ તમને આહલાદનો અનુભવ કરાવી શકે છે. ભાદરવા સુદ પાંચમથી લઈ દસમ સુધીમાં અમદાવાદથી નરોડા નેશનલ હાઈવે માર્ગે ગેલેક્સી વિસ્તારથી જતાં તમામ યાત્રાળુ સંઘો માટે હરિ ઓમ શ્રી સેવાકેમ્પ હવે પોતીકું નામ બની ગયું છે. સંસ્થા દ્વારા અનેક પ્રકારના સેવાકાર્યો વર્ષભર ચાલતાં રહે છે પરંતુ સતત પાંચ દિવસ પોતાની દુનિયા બાજુ પર મૂકી ફક્તને ફક્ત પદયાત્રીઓની સેવામાં લિપ્ત થતાં સેવા કેમ્પ માટે આસપાસના રહેવાસીઓમાં પણ અનેરા આનંદની લાગણી જોવા મળે છે અને તેઓ પણ હવે સામે ચાલી મદદ કરવા દોડી આવતાં હોય છે.

પદયાત્રીઓની વિવિધ પ્રકારે આગતાસ્વાગતાની વધુ તસવીરો…