અમદાવાદમાં હવે દોડશે ઈલેક્ટ્રિક બસ, અમિત શાહે આપી લીલીઝંડી

અમદાવાદ- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના “મિશન મિલિયન ટ્રીઝ” પ્રોજેક્ટનું સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં. આ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરશનના પ્લોટમાં 108 રોપા લગાવવામાં આવ્યાં. તેની સાથે જ અમદાવાદને ગ્રીન બનાવવાના AMCના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું સમાનપન થયું છે. સોલા સાયન્સ સિટી રોડ પર AMCના પ્લોટમાં આ રોપા લગાવવામાં આવ્યાં. બાદમાં આ જ જગ્યાએ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં અમિત શાહની સાથે સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, જીતુ વાઘાણી, મેયર બિજલ પટેલ હાજર રહ્યા હતાં.

ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ

ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન રૂપાણીએ 8 ઈલેક્ટ્રિક બસોનું પણ લોકોર્પણ કર્યું હતું. આગામી બે મહિનામાં બસની કુલ સંખ્યા 50 થશે. આ બસોને કારણે હવા પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણ નહીં ફેલાય. બસોમાં આગ લાગે તેની જાણ માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન સિસ્ટમ હશે. આ ઉપરાંત શાહે રાણીપમાં બનેલા ઓટોમેટિક બેટરી સ્વેપ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યુ હતું.

ઇલેટ્રિક બસનું લોકાર્પણ કરતા મુખ્યપ્રધાને કહ્યું કે આગામી સમયમાં અમદાવાદ મહાનગરમાં 500 ઇલેક્ટ્રિક બસ નાગરિકોની સેવામાં મુકાશે વિજય રૂપાણીએ કહ્યું કે, આ બસો મેઇક ઈન ઈન્ડિયા એટલે કે સંપૂર્ણ ભારતીય બનાવટની બસો તરીકે પરિવહનમાં મૂકવાનું ગૌરવ ગુજરાતે મેળવ્યું છે.

AMCએ સંપૂર્ણ ભારતીય ઇલેક્ટ્રિક બસ બનાવી

આ કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ઇલેક્ટ્રિક વાહનો ભારતને પ્રદુષણ મુક્ત બનાવશે. આખા ભારતમાં ઇલેક્ટ્રિક બસ છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સંપૂર્ણ ભારતીય બસો બનાવી અને આજે તેને લીલીઝંડી બતાવી છે.

ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું કે, ‘અમદાવાદમાં 10.87 લાખ અને અમદાવાદ જિલ્લામાં કુલ 24 લાખ વૃક્ષ વાવ્યા છે. વૃક્ષો જ આપણને બચાવી શકે છે. સરદાર સરોવર ડેમની કામગીરી પણ નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં જ થઇ છે. સ્વચ્છતા અને પર્યાવરણમાં અવરોધ પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક મુક્ત ભારતની નરેન્દ્રભાઈએ શરૂઆત કરી છે. ગાય જ્યારે પ્લાસ્ટિક ખાઈ જાય અને પેટમાંથી 10 કિલો કાઢવું પડે ત્યારે ગાયને કેટલી વેદના થાય. બહેનોને કપડાંની થેલી લઈ અને શાકભાજી લેવા જાય છે. ખાદી, કંતાન અને કપડાંની થેલી વાપરો. દુકાનદારો પણ કપડાંની થેલી વેચે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]