સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોની અચોક્કસ મુદ્દતની હડતાળ, વાંચો વધુ વિગતો

અમદાવાદઃ 1 નવેમ્બરથી એટલે કે આજે ગુરુવારથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની નોંધણી શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોએ અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી છે. ટેકાના ભાવ અને ખાસ તો ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર છે. વેપારીઓ દ્વારા પાડવામાં આવેલી હડતાળને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમને ડી.કે. સખીયાએ વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે, ટેકાના ભાવ યોજનાનો વેપારીઓ ગેરલાભ લઇને હડતાળ પાડે છે. હું વેપારીઓની હડતાળને વખોડું છે.
બીજી તરફ આજથી ટેકાના ભાવે ખરીદવાની નોંધણી શરૂ કરવામાં આવી છે. જોકે, ખેડૂતો પાસે પાણીપત્રક માંગતા ખેડૂતો પરેશાન થઇ ગયા છે. ખેડૂતો સરકારી કાગળોમાં ગુંચવાયા છે. તો ખેડૂતોનું કહેવું છે કે, તલાટી મંત્રીઓ તેમને દાખલા આપતા નથી. આમ સરકારી કાર્યવાહીમાં જ ખેડૂત ફસાઇ ગયો છે.

રાજકોટ માર્કેટ યાર્ડના પ્રમુખ ડી.કે. સખિયાએ જણાવ્યું હતું કે કમિશન એજન્ટ વેપારીઓ તરફથી ભાવાંતર મુદ્દે યાર્ડમાં આજથી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ભાવાંતર યોજનાની માંગણી અને તેનો અમલ એટલો ઝડપી શક્ય નથી. વાસ્તવમાં ખેડૂતોને નામે વેપારીઓ તેમના કમિશનની આવક બંધ થાય છે તેવું કારણ છે.

આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની નોંધણી શરૂ કરવામાં આવી છે. 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સરકાર નોંધણી કરશે. 15 નવેમ્બરથી સરકાર મગફળીની ખરીદી શરૂ કરશે. ખરીદીમાં ગેરરીતિ અટકાવવા માટે સરકારે નવા નિયમો બનાવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી 1 લાખ 10 હજાર મેટ્રીક ટન સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]