બ્રિટીશ સંસદમાં જ્યારે કવિતા પઠનથી ગુજરાતી ભાષાનું ગૌરવ ગાન થયું…

લંડનઃ  અહીંના ‘સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સિલેન્સ’ દ્વારા હમણાં બ્રિટિશ સંસદમાં સંસ્કૃતિ, ભાષાવૈવિધ્ય અને કવિતાને પોંખતી એક અનોખી ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી ‘ધ યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ યર ફોર ઈન્ડિજિનિસ લેન્ગવેજિઝ’ની ના ભાગરૂપે કરાઇ હતી.

બ્રિટનમાં રહેતા ભારતીય ડાયોસ્પોરા સભ્યો એટલે કે મૂળ ભારતીયો દ્વારા 20 જુદી જુદી ભારતીય ભાષામાં લખાયેલ કવિતાઓને ‘ફેસ્ટૂન ઓફ એક્સપ્રેશન્સ’ શીર્ષક હેઠળ સંપાદિત કરીને થેમ્સ નદીના રમણીય કાંઠે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ અવસરે 18 સભ્યો એમની કવિતાઓના પાઠ કર્યા હતા. આ પુસ્તકમાં ડોંગરી, મૌથિલી, સિંધી જેવી ભારતમાં પણ દુર્લભ થતી જતી લિપિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મજાની વાત એ હતી કે એમાં ગુજરાતી ભાષાની કવિતાનું પણ પઠન કરવામાં આવ્યું હતું. ‘બ્રહ્મકુમારીઝ’નાં સ્થાપક દાદી જાનકીના 103 વર્ષ વિશે ‘દિવ્ય વિભૂતિ’ નામની ગુજરાતી કવિતા નિધિ શુકલાએ પાઠ કરી હતી.

બેરોનિઝ વર્માની યજમાનીમાં થયેલી આ ઉજાણીમાં સંદીપ સેન અને સાચી સેન દ્વારા રવિન્દ્રનાથ ટાગોરનાં ગીતની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. દિલ્હી યુનિવર્સિટીના ડૉ. અર્જિત કુમારે આ પ્રસંગે મૈથિલી લિપિ પર વક્તવ્ય આપ્યું હતું. રાગસુધા વિંજામુરીની આગેવાનીમાં ‘સંસ્કૃતિ સેન્ટર’ દ્વારા ઈંગ્લેન્ડ અને વિશ્વમાં ભારતીય સાંસ્કૃતિક વારસાનું ગૌરવ વધારતાં જે કાર્યો થાય છે એની બેરોનિઝ વર્માએ સરાહના કરી હતી.