ગુજરાતને પહેલી એઈમ્સ મળી, રાજકોટ રાજીનું રેડ, વડોદરામાં નિરાશા

ગાંધીનગર- નાયબ મુખ્‍યપ્રધાન નીતિન પટેલે સત્તાવાર રીતે જાહેરાત કરતાં જણાવ્‍યું છે કે, ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે વૈશ્વિક સ્તરની આરોગ્ય સવલતો મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે ૮૦૦થી ૧૦૦૦ પથારીની સુવિધા ધરાવતી અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨૦ એકર જમીન વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે. 

 

  • એઇમ્સ હોસ્પિટલની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨૦ એકર જમીન વિનામૂલ્યે અપાશે
  • તબીબી શિક્ષણ, તબીબી સંશોધનો સાથે ૮૦૦થી ૧૦૦૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે
  • ગંભીર પ્રકારના રોગોમાં દર્દીઓને ઘરઆંગણે સ્પેશ્યાલિટી અને સુપર સ્પેશ્યાલિટી પ્રકારની સારવાર ઉપલબ્ધ થશે
  • ગુજરાતના નાગરિકો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરિકો માટે વિશ્વ કક્ષાની હોસ્પિટલની ભેટ આપી છે. તે બદલ સર્વ ગુજરાતીઓ વતી આભાર વ્યક્ત કરતા નીતિન પટેલે કહ્યુ કે, રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલની સ્થાપના થવાથી તમામ ગંભીર પ્રકારના રોગોમાં પણ દર્દીઓને ગુજરાતમાં આધુનિક સાધનો, લેબોરેટરી, અત્યાધુનિક રીસર્ચ સેન્ટર સહિત તમામ પ્રકારની વ્યવસ્થાનો લાભ મળતો થશે. આ એઇમ્સ હોસ્પિટલમાં મેડીકલ કોલેજની સાથે-સાથે તબીબી સંશોધનો થશે. જેના થકી રોગોનું નિવારણ કરી શકાશે અને કોઇપણ પ્રકારના રોગચાળાને ઝડપથી કાબુમાં લેવાનું માર્ગદર્શન પ્રાપ્ત થશે. ઉપરાંત ગંભીર પ્રકારના રોગોમાં સ્પેશ્યાલિટી અને સુપર સ્પેશ્યાલિટી પ્રકારની સારવાર પણ ઉપલબ્ધ બનશે.  

તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકારે ગુજરાતમાં વડોદરા અને રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલની સ્થાપના માટે સ્થળ પસંદગી અંગે કમિટીની રચના કરી હતી અને આ કમિટીએ ભૌગોલિક પરિસ્થિતિ સહિત સ્થાનિક ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ, સ્થાનિક આંતરમાળખાકીય સવલતો અને દર્દીઓને સારવારલક્ષી લાભ વધુને વધુ કઇ રીતે આપી શકાય તેને ધ્યાને રાખીને રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એટલે હવે રાજકોટ ખાતે આ વિશ્વ કક્ષાની હોસ્પિટલ બનશે. જેનો લાભ સમગ્ર ગુજરાત સહિત પડોશી રાજ્ય રાજસ્થાનના દર્દીઓને પણ મળશે.

ઉલ્લેખનીય છે કે વડોદરામાંથી પણ શહેરને એઈમ્સ મળે તે માટે જોરદાર લોબિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ વડોદરાવાસીઓ રાજકોટને એઈમ્સની સત્તાવાર જાહેરાતને પગલે હવે નિરાશ થયાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]