ટ્રાફિક નિયમ ભંગના ઈ-ચલણ મારફતે આપવામાં આવતાં ઈ-મેમો બંધ

ગાંધીનગર– ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મહાનગરો તથા ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને ઇ-ચલન મારફત ઇ-મેમો આપવામાંથી મુક્તિ આપવાનો જનહિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યના મહાનગરોનો સુગ્રથિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે સી.એસ.આઇ.ટી.એમ.એસ., સ્માર્ટ સીટી અને પીપીપી ધોરણે સીસીટીવીના પ્રોજેક્ટો અમલમાં મુક્યા છે. તાજેતરમાં આ શૃંખલામાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પણ આગામી 4 માસમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે. આ મહાનગરો/ શહેરોમાં સર્વેલન્સ, સ્વચ્છતા અને ટ્રાફિક નિયમન ઝડપથી થાય તે માટે અદ્યતન ટેકનોલોજીના માધ્યમ દ્વારા આધુનિક વિજાણુ સાધનો દ્વારા જનસુખાકારી અને જન સલામતિમાં વધારો થાય તેવા પગલાં  રાજ્ય સરકારે લીધા છે. સી.સી.ટી.વી.ના ફુટેજના આધારે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર નાગરિકોને ઓટોમેટીક/મેન્યુઅલ ઇ-ચલન જનરેટ કરીને ટ્રાફિકનો ભંગ કરનાર નાગરિકના ઘરે તેમના સરનામે મેમો મોકલી આપવામાં આવે છે. પરંતુ આ કેટલીક ટેક્નિકલ ક્ષતિના કારણે કેટલાક કિસ્સામાં આવા ખોટા ઇ-મેમો નાગરિકોને મોકલવામાં આવી રહ્યા છે. એવી રજુઆત મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને મળતા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મહાનગરો તથા ગાંધીનગર, મોરબી  અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં વસતા નાગરિકોના હિતને ધ્યાને લઇ જ્યાં સુધી સ્માર્ટ સીટી પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટ દ્વારા ઇ-ચલન નાગરિકોને મોકલવાના રહેશે નહીં જેથી નાગરિકોને પડતી અસુવિધાઓ દૂર થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]