લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, ભજનિક, લોકગાયકો ભાજપમાં જોડાયાં

ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘કમલમ્’’ ખાતે ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, ભજનીક, લોકગાયક-ગાયિકા ભાજપામાં જોડાયા હતાં.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અરવિંદભાઇ બારોટ, બિપીનભાઇ સઠીયા, મંગલભાઇ રાઠોડ, લલીતાબેન ધોડાદરા, વત્સલાબેન પાટીલ, ગીતાબેન સોની, કૌશીક શ્રીમાળી, શીતલબેન બારોટ, મીનાબા જાડેજા, પુજાબેન ચૌહાણ, રીંકુ પટેલ, રામદાસ બાપુ – કથાકાર સહિત ઉપસ્થિત સૌ કલાકારોને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત્ ભાજપામાં આવકાર્યા હતાં.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, હાલ સમગ્ર દેશ તથા ગુજરાતમાં ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત ઉત્સાહભેર સદસ્યતા વૃધ્ધિ અભિયાન ઉજવાઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ પ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ‘‘માં ભારતી’’ને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના સપનાને યથાર્થ કરતાં દેશહિતના અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની કુશળ સંગઠનશક્તિ તથા ભાજપાની રાષ્ટ્રપ્રથમ તથા ‘‘સર્વજન સુખાય સર્વજન હિતાય’’ ની વિચારધારાથી પ્રભાવિત થઇ જનસેવાના ભાવથી વિવિધ કલાજગત તથા વિવિધ ક્ષેત્રોના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ચાર-ચાર પેઢીઓએ કરેલા અથાક પરિશ્રમનું ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ તે ભાજપાના દરેક કાર્યકર્તા માટે એક સૌભાગ્યની બાબત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમૃધ્ધ ભારત, સુરક્ષિત ભારતની સાથે વિશ્વમાં સૌથી મોટા ત્રણ અર્થતંત્રોમા એક સ્થાન પ્રાપ્ત કરવું એ આપણું લક્ષ્ય છે.