સોમનાથ મંદિરના 68માં સ્થાપના દિનની ઉજવણી

સોમનાથઃ આજે પ્રથમ જ્યોતોર્લિંગ સોમનાથ મહાદેવનો 68મો સ્થાપનાદિન છે. ત્યારે આજે સોમનાથ મહાદેવના સ્થાપનાદિન નિમિત્તે વિવિધ મંદિરમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ સાથે  મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં.

સ્થાપના દિન પ્રસંગની શરૂઆત સ્વચ્છતા કાર્યક્રમથી કરવામાં આવી જેમાં નગરપાલિકા, બીવીજી ટીમ, ડોક્ટર એસો સાથે  સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ત્યાર બાદ લઘુરૂદ્ર યજ્ઞ, સરદાર વંદના, સંકલ્પ દિન નિમિત્તે વિશેષ મહાપૂજા-મહાઆરતી અને મહાદેવજી તેમજ માતા પાર્વતીજીને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.

કઠલાલના ધ્રુવ વ્યાસ ગૃપ દ્વારા 11 મે 1951માં ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ગર્ભગૃહ ખાતે કરેલ પ્રાણપ્રતિષ્ઠા વિધિના ઐતિહાસીક થીમ પર વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવેલ હતી. સ્થાપના દિન નિમિત્તે ધ્વજાપૂજા-ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ સર્વરોગ નિદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે સોમનાથમાં મહાપુજા કરી હતી. તો સાથે જ ધ્વજાપુજાનો લ્હાવો પણ લીધો હતો.

સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. નૂતન મંદિર કાર્ય તેમજ મહામેરૂ પ્રાસાદનો નક્શો પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કર્યો હતો. આ પ્રસંગે 108 તીર્થોનું પવિત્ર જળ એકત્રીત કરવામાં આવ્યું હતું અને તેનાથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 51 સુંદર બોટો પર ફૂલોથી શણગારાયેલી તોપો સમુદ્રમાં રાખવામાં આવી હતી અને જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ અને ત્યારે 108 બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે જ્યારે જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો ત્યારે મહાદેવજીને 101 તોપોની સલામી આપવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]