રાજકોટમાં જન્માષ્ટમીના મેળામાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત, આ પ્લાનમાં છે…

રાજકોટઃ શનિવારથી રાજકોટમાં જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. 1 થી 5 સપ્ટેમ્બર સુધી આ લોકમેળો ચાલશે અને લોકમેળાની મુલાકાત લેવા માટે રોજ લાખો માણસો આવતા હોય છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્યારે રાજકોટના આ લોકમેળામાં ટ્રાફિકને લઈને કોઈ સમસ્યા ન થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનરે એક ખાસ પ્રકારનો પ્લાન બનાવ્યો છે. તો આ સાથે જ મેળામાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે. રાજકોટના આ લોકમેળામાં આ વર્ષે 3 ડીસીપી અધિકારીઓ, 10 એસીપી, 37 પીઆઈ, 112 પીએસઆઈ, 4 એસઆરપીની ટુકડી, હોમગાર્ડના 400 જવાનો, જીઆરડીના 100 જવાનો અને મહિલા પોલીસ સહિત કુલ 3000 હજારનો સ્ટાફ મેળામાં સુરક્ષા વ્યવસ્થા માટે તેનાત રહેશે. તો આ સાથે જ રેસકોર્સ અને તેની આસપાસના વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ સાથે જ મેળામાં આવનાર બાળકોને એક ખાસ ઓળખ કાર્ડ બનાવી આપવામાં આવશે જેથી કોઈ બાળક પોતાના માતા-પિતાથી વિખુટું પડી જાય તો તેના ઓળખ કાર્ડથી તેને શોધી શકાય. તો આ સાથે જ આ રાજકોટના લોકમેળામાં સીસીટીવી પણ લગાવવામાં આવશે જેનું મોનીટરિંગ એક ખાસ કંટ્રોલ રુમમાંથી કરવામાં આવશે અને સાથે જ પોલીસ કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ યુવતીઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ પણ રાજકોટના લોકમેળામાં તૈનાત રહેશે જેથી કોઈ યુવતી કે મહિલાની છેડતી કરનારા તત્વોનો ડામી શકાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]