ગુજરાતની વધુ ત્રણ નવી પશુઓલાદને રાષ્ટ્રીય માન્યતા મળી

ગાંધીનગર– ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ગુજરાતની વધુ નવી ત્રણ પશુઓલાદને રાષ્ટ્રીય માન્યતા આપીને નવી ઓલાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પાંચાલી (ડુમ્મા) ઘેટાં, કાહમી બકરી અને હાલારી ગર્દભ(ગધેડા)નો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષોમાં ગુજરાતમાં કચ્છની બન્ની ભેંસ, ખારાઇ ઊંટ અને કચ્છી-સિન્ધી અશ્વ સહિતની નવી જાતોને રાષ્ટ્રીય માન્યતા અપાઇ હતી.

ગુજરાત દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે જેણે રાજ્યની દેશી પશુ ઓલાદોના રજીસ્ટ્રેશન માટે ખાસ કાર્યક્રમ અમલમાં મુકીને માત્ર પાંચ વર્ષના સમયગાળામાં રાજ્યની આઠ નવી પશુ ઓલાદો શોધી કાઢી છે અને તેના સંરક્ષણ અને વિકાસ માટે અનેક પગલાંઓ લેવાઇ રહ્યાં છે.

માન્યતા પ્રાપ્ત ત્રણ પશુ ઓલાદની વિશેષતાઓ :

પાંચાલી ઘેટાં જે સ્થાનિક કક્ષાએ ડુમ્મા ઘેટાં તરીકે પણ ઓળખાય છે, જે સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, દેવભુમિ દ્વારકા, જામનગર, અમરેલી વિગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. સુરેન્દ્રનગરનો પાંચાળ વિસ્તાર આ ઘેટાં માટે બ્રિડીંગ ટ્રેક હોવાથી તે પાંચાલી તરીકે પણ ઓળખાય છે. પાંચાલી ઘેટાં પુખ્ત માદાનું સરેરાશ વજન ૪૭ કિલો જ્યારે નરનું સરેરાશ વજન ૬૮ કિલો હોય છે. પાંચાલી ઘેટાંનું સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન એક થી સવા લીટર જેટલુ હોય છે. સમગ્ર ગુજરાતમાં પાંચાલી ઘેટાંની સંખ્યા ૮૦ હજાર જેટલી છે.

કાહમી બકરી

જે મુખ્યત્વે જામનગર, જુનાગઢ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળે છે. કાહમી બકરી ગુજરાતમાં જોવા મળતી કચ્છી, મહેસાણી, સુરતી, ઝાલાવાડી અને ગોહિલવાડી જેવી માન્યતા પ્રાપ્ત ઓલાદોથી અલગ છે. આ બકરીનો રંગ ગરદનથી લઇને આગળના બે પગ સુધીનો ભાગ રતાશ પડતો (લાલ) જ્યારે પાછળનો ભાગ કાળો જોવા મળે છે. આમ લાલ અને કાળો એમ બે રંગ હોઇ સ્થાનિક માલધારીઓ તેને કાહમી બકરી તરીકે ઓળખે છે. મુખ્યત્વે હાલર પંથક અને જુનાગઢના નાનાભાઇ ભરવાડ અને મોટાભાઇ ભરવાડ કાહમી બકરીનો ઉછેર કરે છે. સહજીવન (NGO) દ્વારા થયેલ અભ્યાસ મુજબ કાહમી બકરીની સંખ્યા સાત હજાર જેટલી છે. કાહમી બકરીનું સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન એક થી સવા લીટર જેટલુ હોય છે. કાહમી માદા બકરીનું સરેરાશ વજન ૪૭ કિલો જ્યારે નરનું સરેરાશ વજન ૫૭ કિલો જેટલું હોય છે.

હાલારી ગર્દભ 

જામનગર જિલ્લામાં આવેલ હાલાર પંથકમાં તેનું પ્રજનન થતું હોઇ હાલારી તરીકે ઓળખાય છે. આ ગર્દભ રંગે સંપુર્ણ સફેદ હોય છે, આ ગર્દભની સરેરાશ ઊંચાઇ ૧૦૮ સે.મી. અને સરેરાશ લંબાઇ ૧૧૬ સે.મી. જેટલી હોય છે. હાલારી ગર્દભનું સરેરાશ વજન ૧૪૩ કિલો જ્યારે મહત્તમ વજન ૨૫૧ કિલો જેટલું હોય છે. ભારતમાં ગર્દભની એક માત્ર ઓલાદ સ્પીતી અત્યાર સુધી રજીસ્ટર્ડ કરવામાં આવી હતી, હવે હાલારી ગદર્ભને પણ રાષ્ટ્રીય માન્યતા મળતાં દેશમાં તેને ગર્દભની બીજી ઓલાદ તરીકે માન્યતા મેળવી છે. ભારત ઉપરાંત વિશ્વમાં જોવા મળતી ગર્દભની આશરે ૧૭૮ જેટલી ઓલાદમાંથી હાલારી સૌથી વિશિષ્ટ અને અલગ તરી આવે છે. હાલારી જેવા સંપૂર્ણ સફેદ અને ઉંચી કાઠીના લંબાઇના ગર્દભ સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય પણ જોવા મળતા નથી. હાલારી ગર્દભ જામનગર, દેવભુમિ દ્વારકા જિલ્લામાં મુખ્યત્વે જોવા મળે છે. પ્રાથમિક સર્વે મુજબ હાલારી ગર્દભની સંખ્યા ૧૫૦૦ જેટલી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪માં રાજ્યના પશુપાલન ખાતા દ્વારા ગુજરાતની વણ ઓળખાયેલી પશુ ઓલાદની ઓળખ, કેરેકટરાઇઝેશન અને રજીસ્ટ્રેશનનો ખાસ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ પશુપાલન ખાતું તથા ભુજની સહજીવન સંસ્થા દ્વારા બે વર્ષ સુધી આ ત્રણે ઓલાદોનો વિસ્તૃત અભ્યાસ કરીને બ્રિડ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવ્યો હતો. રીતે રાજ્યનું પશુપાલન ખાતું, સહજીવન- ભુજ અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આ પાંચાલી ઘેંટા, કાહમી બકરી અને હાલારી ગર્દભની બ્રિડ પ્રોફાઇલ તૈયાર કરીને ભારત સરકારના National Bureau of Animal Genetic Resources,(NBAGR) કર્નાલને મોકલાઇ હતી. જેની સફળતા રૂપે હવે રાજ્યની પશુઓની આ ત્રણે નવી ઓલાદ ભારત સરકાર દ્વારા માન્યતા પામી છે.