પાણી નથી પણ પહોંચાડવાનું સરકારનું આ આયોજન છેઃ સીએમનું આશ્વાસન

ગાંધીનગર- પાણીની ગંભીર સમસ્યાની બૂમો ઊઠી છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલી પાણી અંગેની રીવ્યૂ કમિટી બાદ મુખ્યપ્રધાન માધ્યમો સમક્ષ ઉપસ્થિત થયાં હતાં અને સરકારે આ સમસ્યા કઇ રીતે ઉકેલવાના આયોજન કર્યાં છે તેની વિસ્તૃત માહિતી આપી નાગરિકોને આશ્વાસન આપ્યું હતું.

હાલ તો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાના ગામડાઓમાં પાણીની અછત ઉભી થઈ છે. રાજ્યમાં ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઓછો વરસાદ થવાથી સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભુમિ દ્વારકા,મોરબી, ભાવનગર, જામનગર, રાજકોટ અને કચ્છ જિલ્લાઓના ડેમોમાં ઓછા પાણીની આવક થયેલ છે આથી, ચાલુ વર્ષે ડેમોમાં હાલ નહિવત જથ્થો ઉપલબ્ધ છે. આ જિલ્લાઓમાં પાતાળ કૂવાઓ પણ ઓછા રિચાર્જ થયેલ છે.

જળાશયોની સ્થિતિ તા. ૨૬/૦૪/૨૦૧૮ના રોજ

વિસ્તાર ક્ષમતા સંગ્રહ % સંગ્રહ વર્તમાન સંગ્રહ % સંગ્રહ
(એમ.સી.એમ. માં) (એમ.સી.એમ. માં) (એમ.સી.એમ. માં)
૦૩/૧૦/૨૦૧૮ અંતિત ૨૬/૦૪/૨૦૧૯ અંતિત
કચ્છ ૩૩૨.૨૭ ૪૩.૭૧ ૧૩.૧૫% ૪૩.૩૨ ૧૩.૦૪%
ઉત્તર ગુજરાત ૧૯૨૨.૨૬ ૭૫૨.૯૮ ૩૯.૧૭% ૩૧૨.૧૩ ૧૬.૨૪%
મધ્ય ગુજરાત ૨૩૪૭.૩૭ ૨૧૬૨.૦૩ ૯૨.૧૦% ૧૦૮૯.૯૩ ૪૬.૪૩%
સૌરાષ્ટ્ર ૨૫૩૩.૪૯ ૧૦૬૫.૪૧ ૪૨.૦૫% ૨૬૮.૨૩ ૧૦.૫૯%
દક્ષિણ ગુજરાત ૮૬૨૪.૭૮ ૪૬૨૬.૮૭ ૫૩.૬૫% ૧૯૩૫.૨૬ ૨૨.૪૪%
સરેરાશ ૧૫૭૬૦.૧૬ ૮૬૫૧ ૫૪.૮૯% ૩૬૪૮.૮૭ ૧૩.૧૫%
સરદાર સરોવર ૯૫૦૦ ૬૩૯૨.૫૭ ૬૭.૫૭% ૪૮૧૩.૭૩ ૫૦.૮૯%

* ૧ એમ.એસી.એમ.= ૧ મીલીયન ઘન મીટર

  • રાજ્ય સરકારનું આયોજન

ઉપરોક્ત કારણોસર રાજ્ય સરકારે પીવાના પાણી માટે નર્મદા નહેરની માળિયા અને વલ્લભીપુર બ્રાંચ કેનાલ ચાલુ રાખવાનો નિર્ણય લીધેલ છે, જે મુજબ હાલ પણ બંન્ને બ્રાંચ કેનાલો ચાલુ છે, જેમાંથી પુરતા પ્રમાણમાં નર્મદાનું પાણી પીવા માટે ઉપલબ્ધ થાય છે.

  • ઉપલેટા થી રાણાવાવ પાઇપલાઇન

પોરબંદર જીલ્લાના ફોદારા ડેમમાં હાલ નહિવત પાણી છે. આ ડેમમાંથી પોરબંદર શહેરને અને જુથ યોજનાઓને ૨ કરોડ લિટર  જેટલો જથ્થો પુરો પાડવામાં આવે છે. આ ઘટંને પુરી કરવા હેતુસર રાજ્ય સરકારે રૂ. ૧૨૦ કરોડની ૬૪ કિ.મી. લાંબી ઉપલેટાથી રાણાવાવ પાઇપલાઇનના કામો મંજૂર કરેલ. આ કામો યુધ્ધના ધોરણે પુરા કરવામાં આવેલ અને પાણી પુરવઠો રાણાવાવ સુધી પહોંચાડવામાં આવેલ છે. આગામી બે દિવસમાં આનુશાંગિક કામો પુરા કરી પોરબંદરને પાણી પુરુ પાડવામાં આવશે.

અગાઉના વર્ષોમાં દેવભુમિ દ્વારકા, જામનગર અને પોરબંદર વિસ્તારો માટે કાલાવડ પાસેના પાંચ દેવડા હેડવર્ક્સથી ૭ કરોડ લિટર. જેટલુ પાણી પુરુ પાડવામાં આવતું.. હાલ આ જથ્થામાં નોંધપાત્ર વધારો કરી ૧૩ કરોડ લિટર સુધી પાણી પુરુ પાડવામાં આવે છે.

  • કચ્છ જીલ્લો

કચ્છ જીલ્લાની વાત કરીએ તો ગત વર્ષે ૨૭ કરોડ લિટર પાણી નર્મદા તેમજ ટપ્પર ડેમ દ્વારા પુરુ પાડવામાં આવતું હતું જેની સામે હાલ ૩૨ કરોડ લિટરથી વધારે પાણી પુરું પાડવામાં આવે છે.

ચાલુ વર્ષે અંજારથી ભૂજના કુકમા સુધી કચ્છ જીલ્લાની પાઇપલાઇનના કામો યુધ્ધના ધોરણે પૂર્ણ થયેલ છે. જેના દ્વારા ભૂજ, બન્ની, લખપત, અબડાસા વિસ્તારોમાં વધારાનું ૩ કરોડ લિટર પાણી પુરું પાડવામાં આવે છે.

  • ગઢડા મુકામની પંપીંગ સ્ટેશનની ક્ષમતા વધારવા માટે નવા પંપો પણ કાર્યરત કરેલ છે, જેના દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ પાણી આપી શકાશે.
  • અમરેલી જીલ્લામાં પણ ચાવંડ મુકામેથી ૧ કરોડ લિટરના જથ્થાનો વધારો થયેલ છે.
  • પ્રતિ દિવસ ઢાંકી, માળિયા, વલ્લભીપુર કેનાલ, પરિયેજ-કનેવાલ દ્વારા હાલ ૧૯૦ કરોડ લિટર જેટલું પાણી કચ્છ અને સૌરાષ્ટ્રને આપવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં ૨૦ કરોડ લિટર પ્રતિ દિવસ જેટલું વધારે છે.
  • પાટણ જીલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાના વિસ્તારો માટે પાઇપલાનના કામો યુધ્ધના ધોરણે પ્રગતિમાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાથી રાધનપુર અને સાંતલપુર વિસ્તારના ગામો અને શહેરોની પીવાના પાણીની સમસ્યાઓનો કાયમી હલ થશે.

રાજ્યમાં ૬૨ તાલુકાઓના ૨૫૮ ગામો અને ૨૬૩ ફળિયાઓ મળી કુલ ૫૨૧ વિસ્તારોમાં ૩૬૧ ટેન્કરોના ૧૫૮૧ ફેરાઓ મારફતે પાણી પુરું પાડવામાં આવે છે. કોઇ પણ વિસ્તારમાં પાણીની તકલીફ જણાય તો તે વિસ્તારમાં ટેન્કર મારફત પાણી આપવાની સુચના સંબંધિત કલેક્ટરને અપાયેલ છે.

આ વર્ષે નર્મદા નહેરથી જોડાયેલ હોય તેવા તથા “સૌની યોજના” મારફતે મચ્છુ-૨, મચ્છુ-૧, આજી-૧, ન્યારી-૧, આજી-૩, રણજીત સાગર, સુખભાદર, ગોમા, ફલકુ વગેરે ડેમોમાં પાણી ભરેલ છે. કચ્છ બ્રાન્ચ કેનાલ મારફતે ટપ્પર, સુવઇ અને ફતેગઢડેમોમાં પાણી ભરવામાં આવેલ છે, જે આગામી ચોમાસા સુધી ચાલશે.

રાજ્યમાં ૫૧ તાલુકાઓમાં અછત જાહેર કરેલ છે, જેના કામો પ્રગતિમાં છે પરંતું લોકસભાની ચુંટણીની આચારસંહિતા હોવાથી અમુક ગામોમાં બોરવેલ વગેરેના કામો હાથ પર લઇ શકાયેલ નથી. રાજ્ય સરકાર દ્વારા ઇલેક્શન કમિશનને આવા પ્રકારના કામો કરવા માટે અનુમતિ માંગેલ છે.

ગાંધીનગર મુકામે ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની ફરિયાદ નિવારણ માટે પાણી પુરવઠાની વડી કચેરીમાં ૧૯૧૬ નંબરની ટોલ – ફ્રી હેલ્પ લાઇન ૨૪ કલાક કાર્યરત છે. જેના પર ફરિયાદ નોંધી તાત્કાલીક નિરાકરણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.