આ ગુજરાતી યુવતીએ બીડું ઝડપ્યું છે કમ્યુનિકેશનમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાનું

અમદાવાદઃ ગુજરાતીઓ હોય એટલે ક્યાંય પાછા ન પડે, એમાં ય બિઝનેસમાં તો ખાસ. પરંતુ હવે બદલાયેલા જમાનામાં કેટલીક બાબતો એવી છે જે યંગ ગુજરાતી બિઝનેસમેનને દાઢના દુખાવાની જેમ પરેશાન કરી શકે છે અને એ છે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ ફેલાવવા માટે જરૂરી કમ્યુનિકેશન સ્કીલ. કમ્યુનિકેશનમાં, ખાસ કરીને વિદેશી ક્લાયન્ટ કે પ્રતિનિધિમંડળ સાથે અંગ્રેજીમાં વાતચીત કરતી વખતે ગુજરાતીઓને જરાક આમતેમ થઇ જાય છે.

જો કે આ દિશામાં ગુજરાતી યુવાનને આગળ લઈ આવવા માટે એક ગુજરાતી યુવતીએ નોખું સંશોધન પાર પાડી ખૂબ જ મહત્વનું કાર્ય હાથ ધર્યું છે. નામ છે એનું તરાના પટેલ અને એના કાર્યનું ક્ષેત્ર છે બિઝનેસ કમ્યુનિકેશન્સ.

અમદાવાદમાં ભણીગણીને ઊછરેલી તરાના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગઈ. પૃથ્વીના ચારેય ખંડમાં રખડીને એણે અનુભવ ભેગા કર્યા. એપ્લાઈડ લિન્ગવિસ્ટિક્સમાં એણે માસ્ટર્સ કર્યું. આ વરસો દરમિયાન એણે જુદા જુદા દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપારો અને એપ્લાઈડ લિન્ગવિસ્ટિક્સમાં કામ કર્યું. આવા બહોળા અનુભવના નીચોડરૂપે એની લિન્ગવિસ્ટિક્સ પર પકડ તો મજબુત બની જ, ઉપરાંત દેશવિદેશની અડધો ડઝન ભાષા પર એનો મહાવરો આવ્યો. ગુજરાતી-અંગ્રેજી-બંગાળી ઉપરાંત જર્મન, ચીનની મેન્ડેરિન, સ્પેનિશ અને ફ્રેન્ચ ભાષા પણ એ જાણે છે.

પાછલાં વરસોથી તરાનાએ ગુજરાતના યુવાનો, ગ્રેજ્યુએટ્સ, કર્મચારીઓ વગેરે માટે કામ કરવાનું આરંભ્યું ને એ ગુજરાતના યુવાનોની બિઝનેસ કમ્યુનિકેશન સ્કીલ્સને ધાર આપવાના કામમાં લાગી.

કેવી રીતે?

બિઝનેસમાં સફળતા માટે ટેકનિકલ કરતાં કમ્યુનિકેશન સ્કીલ વધારે મહત્વની ભૂમિકા ભજવી જાય છે એ સંશોધનો પરથી સ્પષ્ટ થયું છે. ગુજરાતમાં કર્મચારીઓનો ઘણો મોટો વર્ગ એવો છે જે કાર્યક્ષમ હોય પણ અંગ્રેજી ભાષામાં સફળ બિઝનેસ કમ્યુનિકેશન સાધી શકવામાં પાછળ પડતો હોય છે. આ સમસ્યાના ઉકેલ તરીકે તરાનાએ સ્થાપ્યું લર્નેડ(LearnED). આજે એ ખાસ કરીને, કોર્પોરેટસમાં કમ્યુનિકેશન અંગે ખાસ ઓનલાઇન વર્ગો ચલાવે છે. એમણે વિકસાવેલા મોડેલની વિશેષતા એ છે કે, એમાં દરેકને વ્યક્તિગત રીતે ઓનલાઇન ફીડબેક મળે અને દરેક જણ પોતાના પ્રોગ્રેસનું જાતે જ મૂલ્યાંકન કરી શકે એવી પધ્ધતિ છે.

તરાનાના સાહસ માટે એને બીજા સન્માનો સાથે ધ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ મિડલબરી કોલેજ તરફથી યંગ અલ્મની એચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે. તરાના અત્યારે અનેકવિધ જવાબદારીઓ નિભાવી રહી છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવરસાઈડના ઈન્ટરનેશનલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં એકેડેમિક ડિરેક્ટર, ચીનના બીજિંગમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઈંગ્લિશ સેન્ટરનાં ફાઉન્ડિંગ ડિરેક્ટર, લૉસ એન્જલ્સની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં બિઝનેસ ઈંગ્લિશ એક્સપર્ટ તરીકે ઉપરાંત અંગ્રેજી ભાષા માટેના આંતરરાષ્ટ્રીય સંસ્થાન ‘ટીઈએસઓએલ’માં પણ તરાના જવાબદારીઓ નિભાવી રહી છે.