સ્કૂલ બસ, રિક્ષા અને વાનના ચાલકોએ બાળકોની સલામતી માટે આટલું કરવું ફરજિયાત કરાયું

ગાંધીનગરઃ બાળકોએ દેશનું ભવિષ્ય છે. વિવિધ વાહનોમાં સ્કૂલે જતા બાળકોની સુરક્ષા અને તેમનામાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતિ લાવીને આગામી સમયમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો કરી શકાશે. પરંતુ આ વિદ્યાર્થીઓ જે સ્કૂલ બસ, વાન કે રીક્ષામાં સવાર થઈને શાળાએ આવે છે જો તે જ સુરક્ષિત કે સલામત ના હોય તો તેઓ અકસ્માતનું ગંભીર કારણ બની શકે છે. આ કારણે રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલ વાન, બસ કે રીક્ષાની ઘટનાઓને ધ્યાને લઈને માર્ગ સલામતી માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત બાળકોને સ્કૂલે લઈ જતા વિવિધ વાહનો જેવાં કે, બસ, રીક્ષા અને વાનના ડ્રાઈવરોને બાળકોની સલામતી માટે જરૂરી પગલા ભરવા આદેશ કરવામાં આવ્યા છે.

જેમાં સ્કૂલ બસને પીળો રંગ કરેલો હોવો જોઈએ તેમજ બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ. ડ્રાઈવરની માહિતી (નામ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નંબર.) અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે જોઈ શકાય તેમ લખાયેલો હોવો જોઈએ. બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી હોવી જોઈએ, આપાતકાલીન દરવાજો તેમજ દરવાજા પર વિશ્વનીય લોક હોવું જોઈએ. બસમાં પડદાં કે કાચ પર ફિલ્મ લગાવેલીના હોવી જોઈએ. સ્કૂલ બસમાં સ્પીડ ગર્વનર લગાવેલું હોવું જોઈએ તેમજ ગતિ મર્યાદા ૪૦ કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ.

સ્કુલ બસની બેઠકો બિન દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ તેમજ બસની અંદર GPS અને CCTVની વ્યવસ્થા કાર્યરત હોવી જોઈએ. સ્કૂલ બસમાં પ્રાથમિક સારવાર પેટી અને પીવા માટેનું પાણી હોવું જોઈએ. બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની જગ્યા હોવી જોઈએ. સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિસંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય. બસની અંદર પૂરતું અજવાળું હોવું જોઈએ તેમજ અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન હોવી જોઈએ.

શાળાના બાળકોની સલામતી માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા સૂચિત કરેલ અને મંજુરી ધરાવતી બસ જ બાળકોના મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે તે સિવાય મંજુરી ન ધરાવતી બસ કે ભાડે લીધેલી બસમાં બાળકોને લઈ જવા માટે ઉપયોગ કરી શકાશે નહીં. બાળકોને શાળાએથી ઘરે લઈ જવા માટે ઓટો રીક્ષા કે મારૂતિવાન જેવા વાહનોનો વધુ ઉપયોગ થાય છે. આ વાહનો બેઠકની દ્રષ્ટિએ (૧) ૬ + ૧ સુધીની બેઠકની ક્ષમતા (૨) ૬થી વધારે પરંતુ ૧૨ મુસાફરો સુધી ( ડ્રાઈવર સિવાય ) બેઠક ક્ષમતા ધરાવતા એમ બે પ્રકારના વાહનો હોય છે. જેમાં સ્કૂલવર્ધીના વાહનોમાં ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ૧ સીટ દીઠ બે બાળકો બેસી શકે તેવી જોગવાઈ છે.

આવા વાહનોમાં સારવાર પેટી અને પીવાનું પાણી તેમજ અગ્નિશામક સાધનો ફરજિયાત રાખવા જોઈએ. બાળકોને બેસવા માટેનું સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ. વાહનમાં ઉતારું કમ્પાર્ટમેન્ટમાં બારીઓ એવી ડિઝાઈનવાળી જાળીથી બંધ કરેલી હોવી જોઈએ જેથી બાળકોનો કોઈ અંગ બહાર આવી શકે નહીં. ખાનગી રજિસ્ટ્રેશન ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા-લઈ જવા એ ગંભીર ગુનો છે. તેમજ સ્કૂલવર્ધી વાહનોમાં મંજૂરી લીધા વગર CNG અને PNG ગેસ પર વાહન ચલાવવું એ પણ ગંભીર ગુનો છે. જો સ્કુલવર્ધી વાહન થર્ડ પાર્ટી વીમા વગર વપરાતું ધ્યાનમાં આવે તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી એક્ટ-૨૦૧૮ની કલમ – ૧૪(૧) હેઠળ વાહન ડિટેઈન તથા કડક પગલા લેવાશે.

સ્કૂલવાન, રીક્ષા અને બસ અંગેના પગલાઓ ઉપરાંત આ વાહનને ચલાવવા માટે ડ્રાઈવરોએ પણ ચોક્કસ નિયમોનું પાલન કરવાનું રહે છે. જેમકે જાહેર સેવા અંગેના વાહન ચલાવવા માટે ડાઈવરે ફોટોવાળો બેજ પહેરવો જરૂરી છે. સ્કૂલ વાહન ચલાવતી વખતે ડ્રાઈવરે સ્કૂલ બસની રોડ પર ચલાવવાની યોગ્યતાનું પ્રમાણપત્ર પણ સાથે રાખવું ફરજિયાત છે. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ પ્રમાણે ડ્રાઈવર પાસે મુસાફરોને માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પીયુસી, ફિટનેશ અને અધિકૃત ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.

જો ભાડેમાં સ્કૂલબસ લેવામાં આવી હોય તો સ્કૂલ સત્તાધિકારીઓએ માલીક સાથે માન્ય કરેલા કરારની નકલ પણ ડ્રાઈવરે સાથે રાખવાની હોય છે. જ્યારે પણ સ્કૂલના બાળકોનું પરિવહન કરારથી કરવાનું હોય ત્યારે, વાહનના માલિકે આ અંગેની જાણ ડ્રાઈવરના નામ અને વાહનની વિગત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસને સ્પષ્ટપણે આપવાની રહેશે.

વાહન ચલાવતી વખતે એક સામાન્ય ચૂક પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. એટલા માટે સ્કૂલ વાહન ચલાવતા ડ્રાઈવરોએ પણ વાહન ચલાવતા મોબાઈલ ફોનનો ઉપયોગ, વિદ્યાર્થી તેમજ સ્ટાફ સાથેનો વાર્તાલાપ ટાળવો જોઈએ. ડ્રાઈવરો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ બાળકો વાહનમાં ચઢતા કે ઉત૨તા હોય ત્યારે સ્કૂલ બસ સ્થિર હાલતમાં જ હોવી જોઈએ જેથી બાળકોમાં પડવાનો ભય ના ૨હે.

આ ઉપરાંત ડ્રાઈવરની ડ્રાઈવિંગ ક્ષમતાઓમાં વધારો થાય તે માટે સમયાંતરે રિફરેસર તાલીમ ડ્રાઈવરને આપવી જોઈએ. નશાની હાલતમાં ડ્રાઈવર સ્કુલ વાહન ચલાવી શકશે નહી અને આ માટે ડ્રાઈવરની તબીબી તપાસ કરવી જોઈએ. જો કોઈ ડ્રાઈવર લાલ બત્તી કે રેડ સિગ્નલની અવગણના કરીને કે રસ્તા પર કોઈ અન્ય વાહનને ઓવરટેક કરે તેવા કોઈ ટ્રાફિક ભંગના ગુનામાં બેથી વધુ વખત સામેલ હોય તેવા ડ્રાઈવરને સ્કૂલ સત્તાવાળાઓ રાખી શકે નહીં. ડ્રાઈવર ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડી શકશે નહીં તેમજ ખાસ કરીને ડ્રાઈવરની સીટ પર તો નહી જ. જો ડ્રાઈવર વધુ બાળકોને બેસાડશે તો વાહનો સામે કડક ચેકિંગ થશે.

સ્કૂલવર્ધી વાહનના ડ્રાઈવર પાસે વાહન ચલાવવાનો બેજ ફરજિયાત હોવો જોઈએ. જો કયારેય પણ રસ્તામાં બસ બગડે તેવી પરિસ્થિતિમાં ડ્રાઈવરે બાળકોની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. શાળાઓ પણ બાળકોની સલામતી માટે મોટી ભૂમિકા ભજવે છે. આ જ કારણે શાળાઓએ સ્કૂલ બસમાં કે અન્ય દ્વારા આવતા બાળકોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. બાળકોની માર્ગ સલામતી માટે લેવામાં આવેલાં પગલાઓ અંગે દરેક શાળા, વાલીઓએ અને વિદ્યાર્થીઓએ પણ વધુ જાગૃત થવાની જરૂર છે તેમ પણ વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરી દ્વારા જણાવાયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]