રાજ્યમાં સરેરાશ 97.21 મિ.મી. જેટલો વરસાદ, 9 જિલ્લાઓ કોરાકટ

અમદાવાદઃ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરજાની પધરામણી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત વરસાદમાં તરબોળ થઈ ગયું છે. તો વડોદરા શહેરમાં મેઘરાજાએ હવે બીજી ઇનિંગ શરૂ કરી છે. વડોદરામાં ગત રાતથી જ વરસાદ શરૂ થઇ ગયો હતો. આજે બીજા દિવસે પણ મેઘમહેર યથાવત જ છે. વડોદરા શહેરમાં ગત રાતથી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો અમદાવાદ, સૂરત, નવસારી સહિતના રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

પરંતુ ગુજરાતના હજી 9 તાલુકા એવા છે કે જ્યાં એક ટીપુંય વરસાદ પડ્યો નથી. ગુજરાતમાં કચ્છના સાત જીલ્લા અને બે તાલુકામાં હજી વરસાદની રાહ જોવાઈ રહી છે. આ જીલ્લાઓ સિવાય રાજ્યના તમામ જીલ્લાઓમાં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 97.21 મિ.મી. જેટલો એટલે સીઝનના અપેક્ષિત વરસાદના 11.70 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

અત્યાર સુધી કચ્છમા સરેરાશ ૪ મિ.મી., ઉત્તર ગુજરાતમાં ૬૭ મિ.મી., પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૭૩ મિ.મી., સૌરાષ્ટ્રમાં ૫૧ મિ.મી., અને દક્ષિણ ગુજરાતમાં ૨૬૬ મિ.મી. વરસાદ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં સૌથી વધુ ૮૬૩ મિ.મી. વરસાદ ઉમરગામ તાલુકામાં થયો છે.