લ્યો બોલો… રામોલની ખાનવાડી પ્રાથમિક શાળામાં લાઈટ જ નથી

અમદાવાદ– રામોલ પોલિસ સ્ટેશનની સામે ખાનવાડી પ્રાથમિક શાળા આવેલી છે, આ શાળા શરૂ થઈ ત્યારે 180 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, આજે 111 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ખાનવાડી પ્રાથમિક શાળામાં લાઈટ જ નથી, શાળાના ઓરડા પર પતરા, અને લાઈટ નહી હોવાથી વિદ્યાર્થીઓ ગરમીમાં શેકાતા શેકાતા અભ્યાસ કરી રહ્યા છે. અમદાવાદના રામોલ પોલિસ સ્ટેશન સામે આવેલ કેનાલ નજીકની ખાનવાડીમા અમદાવાદ જિલ્લા પંચાયત સંચાલિત ખાનવાડી પાથમિક શાળા ૨૦૦૨માં શરુ થઈ હતી. પણ તેમાં લાઈટની સુવિધા આજદિન સુધી નથી. ખાનવાડી  આસપાસના લોકોએ પોતાના બાળકો આ શાળામા અભ્યાસ કરે છે, તે ભાવનાથી પોતાના ઘરમાંથી લાઇટ બાજુમા આવેલ શાળાને આપી હતી. શાળાના બાળકોને ગરમીથી રાહત મળે તે માટે પતરાવાળી રુમોમા હંગામી લાઈટની સુવિધા આપી હતી. પરંતુ થોડાક દિવસોથી તે વ્યવસ્થા પડી ભાંગી છે. આજે ધોરણ ૧થી ૫માં અભ્યાસ કરતા ખાનવાડી આસપાસની ગરીબ વસતી અને કડિયા કામે મજૂરીએ જતાં આદિવાસી સહિતના મજુરોના બાળકોને ઉનાળાના પ્રારંભે જ ગરમીમાં પતરાવાળી રુમોમા લાઈટ-પંખા વગર અભ્યાસ કરવો પડી રહ્યો છે.દિવસમા સવારે ૧૧થી ૫ સુધી અભ્યાસ દરમ્યાન પોતાની નોટબુકથી વિદ્યાર્થીઓને હવા ખાવી પડી રહ્યી છે. એક તરફ પતરાવાળી રુમમાં ગરમીને કારણે પરસેવો, તો બીજી તરફ શુદ્ધ પાણી માટે પ્યુરીફાઈ પાણી માટે મશીન તો છે પણ વીજ કનેકશન ન હોવાથી લોકોને શુધ્ધ અને ઠંડા પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.અમદાવાદ ખોખરા-હાટકેશ્વરના સામાજિક કાર્યકર હર્ષદ પટેલે chitralekha.comને કહ્યું હતું કે સરકાર સર્વશિક્ષા અભિયાન હેઠળ કરોડો રુપિયાનો ખચઁ કરી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરે છે, ત્યારે મહાનગર તેમજ મેટ્રોના હેરિટેજ સિટી એવા અમદાવાદને અડીને આવેલા રામોલમાં ખાનવાડી પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધારુપે લાઈટ જ નથી. રાજ્ય સરકાર દ્વારા સર્વશિક્ષા અભિયાનની વાતો માત્ર કાગળ પર દેખાઈ રહી છે. બજેટમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાની જોગવાઈ કરાય છે. પણ હકીકતમાં ચિત્ર જુદુ છે.