યુનો દ્વારા 5 જૂને વિશ્વપર્યાવરણ દિનની ઉજવણી ભારતમાં કરાશે, સાસણમાં જાહેરાત

સાસણગીર- કેન્દ્ર સરકાર દ્વારા સાસણ ખાતે વિશ્વ વાઇલ્ડ લાઇફ ડેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવી. આ કાર્યક્રમોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન ઉપસ્થિત રહ્યાં હતાં.સીએમ રુપાણીએ યાદ દેવડાવતાં કહ્યું કે સિંહસંવર્ધન માટે નરેન્દ્રભાઇ મોદી મુખ્યપ્રધાન હતાં  ત્યારે ર૦૦૭માં ૪૦ કરોડના પેકેજથી શરૂઆત કરી હતી.  રાજય સરકારે એજ દિશામાં આગળ વધી પ્રોજેકટ લાયન માટે પુરતા ફંડની ફાળવણી કરી છે. આ પ્રયત્નોને લીધે સિંહોની વસ્તી ૬૦૦ આસપાસ પહોંચી છે.

વિશ્વ વન્ય જીવન ઉજવણીનું આયોજન કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે “Big Cats: Predators Under Threat”  વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રના વન અને પર્યાવરણપ્રધાન ડૉ. હર્ષવર્ધને કેન્દ્રીય વન વિભાગની એપ્લિકેશન ‘હર્ષવર્ધન’ નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ એપથી એકપણ પૈસાનો ખર્ચ કર્યા વગર વન પર્યાવરણ જાગૃતિ અંગેના પ૦૦થી વધુ કામો કરી શકાય છે.  વાઇલ્ડ લાઇફ પ્રોટેકશનનું સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડાણ કરી લુપ્ત થતી જતી પ્રજાતિઓના સંવર્ધન માટે જુઓલોજી સર્વેલન્સ ઓફ ઇન્ડિયાની પણ સહભાગિતા વધારાશે.રાજય સરકાર દ્વારા ગીર અભ્યારણ્યના વિકાસમાં રૂા.૧૫ કરોડના નવા પ્રકલ્પોની જાહેરાત પણ કરવામાં આવી હતી.

ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે  આગામી 5મી જૂને યુનાઇટેડ નેશન્શ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી વડાપ્રધાન મોદીની ઉપસ્થિતમાં ભારતમાં કરાશે.

ગીર લાયન કોફી ટેબલ બુકનું અને સી.ડી.નું વિમોચન કરાયું હતું. તેમ જ વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ  ‘લાયન્સ ઓફ ગીર’ વિષયક ડોકયુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી હતી. ગીર લાયન સંવર્ધનને લગતી સકસેસ સ્ટોરીઓનું તથા નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલ ‘ફોરેસ્ટ એન્ડ કલાઇમેટ ચેન્જ’ વિષયક પ્રેઝન્ટેશનો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.

‘એશીયન સિંહોના સંવર્ધનમાં સ્થાનિક લોકોની ભૂમિકા’ એ વિષય પર અને ‘બીગ કેટસના અને તેમાંય ખાસ કરીને એશીયન સિંહોના સંવર્ધનમાં આવતા પડકારો’ વિષયક તજજ્ઞોના સંવાદો રજૂ થયા હતા. સેમિનારમાં વિવિધ સંસ્થાઓ તથા અગ્રણીઓએ તથા મહાનુભાવોનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું. નિબંધ-ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓનું શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]