ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, નલિયા 13 ડિગ્રી… વાંચો વધુ વિગતો

અમદાવાદઃ રાજ્યમાં શિયાળો જામે તેની રાહ જોવાઈ રહી છે ત્યારે ઠંડીની આ ઋતુએ ધીમે ધીમે પોતાનો મિજાજ પકડ્યો છે. થોડા દિવસથી જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલી હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તરભારતમાં હાડ થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે અને તેની અસરના પગલે ગુજરાતના વિવિધ શહેરોના તાપમાનમાં પણ સતત ઘટાડો નોંધાયો છે.

રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે નલિયા 13 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો આ સીવાય અમદાવાદનું તાપમાન પણ 15.9 ડિગ્રી રહ્યું છે. તો આ સાથે જ હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે.

ત્યારે વધી રહેલી ઠંડીથી બચવા લોકોએ સવારથી જ ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો હતો. ઉપરાંત, વહેલી સવારથી ફૂંકાતા ઠંડા પવન અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં રહેલા ગાઢ ઘુમ્મસના કારણે વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી.

ફાઈલ

ત્યારે આ મામલે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગમાં ઠંડીમાં વધારો થવાની પણ શક્યતા છે.