કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત, તાપમાન વધવાની આગાહી

અમદાવાદ– ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચુકી છે. ગઈકાલે રવિવારે સૌથી વધુ ગરમ શહેર અમદાવાદ રહ્યું હતું. અમદાવાદમાં તાપમાનનો પારો એકાએક ઊંચકાઈને 43 ડિગ્રીને પાર કરી ગયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું હતું, તેની સાથે રાજ્યનું પાટનગર ગાંધીનગરનું મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવારથી પાંચ દિવસ માટે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.અંગ દઝાડતી ગરમીમાં સુરેન્દ્રનગરનું તાપમાન 42.8 ડિગ્રી, રાજકોટમાં તાપમાન 42.4 ડિગ્રી, કંડલા 42 ડિગ્રી, ડીસાનું તાપમાન 41.8 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 41.4 ડિગ્રી સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમીમાં કોઈ ઘટાડો નોંધાશે નહી.

રવિવારે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન સૌથી વધુ હતું. રવિવાર રજાનો દિવસ હતો, અને ભારે ગરમીને કારણે લોકો ઘરની અંદર પુરાઈ રહ્યા હતા. મોડીસાંજ સુધી ગરમ પવનો ફૂંકાતા હતા. બફારો પણ એટલો જ હતો. રાત્રે ઠંડાપીણાની લારીઓ અને આઈસ્ક્રીમની દુકાનો પર લાંબી કતારો લાગી હતી. રવિવારે અમદાવાદમાં આકળવિકળ કરી મુકે તેવી ગરમીમાં 32 લોકો બેભાન થયા હતા, અને ચક્કર આવવાના 18 કેસ નોંધાયા હતા. 108ને ઈમરજન્સી 18 કૉલ મળ્યા હતા. બપોરે 12થી 5 સુધી સૌથી વધુ ગરમીની અસર રહી હતી, જેથી બપોરે વગર કામે બહાર ન જવા અપીલ કરાઈ છે. પાણી વધારે પીવું જોઈએ, તેવી પણ જાણ કરાઈ છે.