રાજ્ય સરકાર વડોદરા મહાનગરપાલિકાની હદમાં આવશ્યક વધારો કરશે

વડોદરાઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ પર્વમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાન રુપાણીએ લોકલક્ષી જાહેરાત કરતા જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના ઠરાવને સ્વીકારીને રાજ્ય સરકાર મહાનગરપાલિકાની હદમાં જરુરી વધારો કરશે અને શહેરની આસપાસના આઉટગ્રોથ વિસ્તારોને કોર્પોરેશનની હદમાં સમાવી લેવાશે.

મુખ્યપ્રધાને જણાવ્યું કે, હાલમાં આ આઉટગ્રોથ વિસ્‍તારોને કોર્પોરેશન કે પંચાયત, કોઇના પણ દ્વારા જરૂરી સુવિધાઓ આપવામાં આવતી નથી અને લોકોને વિપદા ભોગવવી પડે છે. કોર્પોરેશનમાં તેમના સમાવેશથી મહાનગરપાલિકાની સુવિધાઓ રહેવાસીઓને મળશે અને તેમની મુશ્‍કેલીઓનો અંત આવશે.

મુખ્યપ્રધાને ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્‍થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના રૂા. ૧૬૯.૯૪ કરોડના આવાસન, પાણી-પુરવઠા, નવીન કચેરી જેવા વિકાસકામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૪૦૭ તૈયાર મકાનોની ફાળવણી માટે રીમોટ કંટ્રોલથી કોમ્‍પ્‍યુટરાઇઝ ડ્રો કર્યો હતો અને પસંદ થયેલા લાભાર્થીઓને તેમના સપનાંને સાકાર કરતાં ઘરની ચાવી સોંપવાની સાથે નવા ઘરમાં ઉજ્જવળ ભવિષ્‍યની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા ૮૭૪ મકાનોનું લોકાપર્ણ અને નવા બનનારા ૭૦૮ મકાનોના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.

વડાપ્રધાને ભારતની સ્‍વતંત્રતાના ૭૫ વર્ષની ભેટના રૂપમાં દેશના ઘરવિહોણા તમામને છત પૂરી પાડવાનો સંકલ્‍પ કર્યો છે અને તેને અનુલક્ષીને અમારી રાજય સરકાર પ્રત્‍યેક ગરીબને સારૂં ઘર આપવા સંકલ્પબદ્ધ  છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ સહિતની આવાસ યોજનાઓના પ્રત્યેક લાભાર્થીને રૂા. રર લાખ સુધીની ઘરની કિંમતની મર્યાદામાં ભારત સરકાર અને રાજય સરકાર ક્રેડીટ લીંક સબસીડી એટલે કે વ્‍યાજ રાહત આપે છે.

ગુજરાત આ વ્‍યાજ રાહત આપવામાં દેશમાં મોખરે છે અને રાજયના એક લાખથી વધુ પરિવારોને તેનો લાભ આપવામાં આવ્‍યો છે. મકાન માટે ધિરાણ લેનારને બહુધા મકાનની કિંમત જેટલું જ વ્યાજ ચુકવવું પડે છે. ભારત સરકાર અને રાજય સરકાર ક્રેડીટ લીંક સબસીડી કરીને લાભાર્થીઓને રાહત આપી છે. તેમણે આવાસોના ગુણવત્તાસભર નિર્માણ માટે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને અભિનંદન પાઠવ્‍યા હતા. વિકાસ કામોના સતત આયોજન અને સમયબધ્‍ધ અમલીકરણની મહાનગરપાલિકાની નિષ્‍ઠાને બિરદાવી હતી અને વડોદરાને વિશ્વકક્ષાની સ્માર્ટ સિટી આ નેતૃત્‍વ બનાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વધુ વાત કરતા મુખ્યપ્રધાન રુપાણીએ જણાવ્યું કે  કોંગ્રેસની સરકારમાં પાણીની ડંકીઓ કે એકાદ ટાંકી કે નાના પૂલ જેવા વિકાસકામો થતા અને ઓવરબ્રીજ જેવા કામોની તો કલ્‍પના પણ ના થઇ શકતી. અમારી સરકાર ઇમાનદારીથી ચાલી રહી છે એટલે કરોડોના વિકાસકામો થઇ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક એક રૂપિયાના ખર્ચ સામે સવા રૂપિયાનું પ્રજાને વળતર આપવાનો જે વિકાસ મંત્ર આપ્‍યો તેને અમે નિષ્‍ઠાપૂર્વક અનુસરી રહ્યાં છીએ.