14 વર્ષથી રાજ્ય સરકારે ઓવરડ્રાફ્ટ લીધો નથીઃ નિતીન પટેલ

ગાંધીનગર-ગુજરાતી ક્યારેય ખોટનો ધંધો કરે નહીં એવી ઉક્તિનો સહારો લઇને વિધાનસભામાં રાજ્ય સરકારે અંદાજપત્ર પરની ચર્ચા કરી હતી. સત્ર સમાપન થવાના આરે છે ત્યારે નાયબ સીએમ નિતીન પટેલે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટેના સમગ્ર અંદાજપત્રનું કદ રૂ.૧,૮૩,૬૬૬ કરોડ છે. અંદાજપત્રમાં રૂ.૭૮૩ કરોડની એકંદર પુરાંત અને રૂ.૫૯૯૮ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવે છે.

જાણવા જેવું…

• અંદાજપત્રનું કદ રૂ.૧,૮૩,૬૬૬ કરોડ : રૂ.૭૮૩ કરોડની એકંદરે પુરાંત અને રૂ.૫૯૯૮ કરોડની મહેસૂલી પુરાંત
• રાજ્યનો વિકાસલક્ષી ખર્ચ રૂ.૧,૧૧,૫૬૫ કરોડ, બિન વિકાસલક્ષી ખર્ચ રૂ.૭૦,૦૧૨ કરોડની સાપેક્ષે દોઢ ગણા કરતા વધુ

• વર્ષ ૨૦૧૮-૧૯ માં રાજ્યનું કુલ દેવુ રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદનના ૨૭.૧૦ % ની મર્યાદાના લક્ષ્યાંક સામે ૧૫.૯૬ % અંદાજવામાં આવ્યુ
• રાજ વિત્તિય ખાદ્ય રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદનના ૩ % ની મર્યાદાના લક્ષ્યાંક સામે ૧.૭૧ % રહેશે
• છેલ્લાં ૧૪ વર્ષથી રાજ્ય સરકારે ઓવરડ્રાફ્ટ લીધો નથી : ૧૩ વર્ષથી સાધનોપાય પેશગી લીધી નથી

અંદાજપત્રમાં વિકાસલક્ષી ખર્ચ રૂ.૧,૧૧,૫૬૫ કરોડ અંદાજવામાં આવ્યો છે. જેના સામે બિન વિકાસલક્ષી ખર્ચ રૂ.૭૦,૦૧૨ કરોડ એટલે કે, વિકાસલક્ષી ખર્ચ એ બિન વિકાસલક્ષી ખર્ચ કરતાં રૂ.૪૧,૫૫૩ કરોડ જેટલો વધુ છે. એનો અર્થ એ થયો કે, અંદાજપત્રમાં વિકાસલક્ષી ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચના દોઢ ગણાથી પણ વધુ છે.  વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન અંદાજપત્રમાં વિકાસલક્ષી ખર્ચના ૫૮ % જેટલી ફાળવણી સામાજિક સેવાઓ માટે કરવામાં આવી છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે રાજ્યની પોતાની કર આવક રૂ.૮૮,૭૨૯ કરોડની અંદાજવામાં આવી છે. વર્ષ ૨૦૧૭-૧૮ ના અંદાજ કરતા ૧૬ % વધુ છે. તેમણે જણાવ્યુ કે, રાજ્યનું દેવુ રાજ્યના વિકાસ કાર્યો એટલે કે, મૂડી ખર્ચ માટેનું એક સંશાધન છે. રાજ્ય સરકારે ૧૩ મા નાણાપંચની ભલામણ મુજબ ગુજરાત રાજ વિત્તીય અધિનિયમમાં વધુ સઘન માપદંડો અમલમાં મુક્યા છે. જે અનુસાર રાજ્યનું કુલ દેવુ વર્ષ ૨૦૧૬-૧૭ માં રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદનના ૨૭.૧૦ % મર્યાદાના લક્ષ્યાંક સામે ૧૭.૨૧ % હતુ અને વર્ષ ૨૦૧૭-૧૮ ના સુધારેલા અંદાજ મુજબ તે ૧૬.૪૬ % હતુ જ્યારે વર્ષ ૨૦૧૧૮-૧૯ ના અંદાજ મુજબ આ આંકડો ઘટીને ૧૫.૯૬ % રહેશે. રાજ્યની રાજ વિત્તિય ખાદ્ય ૨૦૧૬-૧૭ માં રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદનના ૩ % ની મર્યાદાના લક્ષ્યાંક સામે ૧.૪૨ % અને વર્ષ ૨૦૧૮-૧૯ ના અંદાજ મુજબ ૧.૭૧ % રહેશે.

ગુજરાતે વર્ષ ૨૦૧૬-૧૭ માં મહેસૂલી ખાદ્યના ૦ ના લક્ષ્યાંકની સામે રૂ.૫૯૪૭ કરોડની મહેસૂલી પુરાંત સિદ્ધ કરી છે. અને વર્ષ ૨૦૧૭-૧૮ ના સુધારેલા અંદાજ મુજબ રૂ.૫૯૭૭ કરોડ અને વર્ષ ૨૦૧૮-૧૯ ના અંદાજ મુજબ રૂ.૫૯૯૭ કરોડની મહેસૂલી પુરાંત અંદાજવામાં આવી છે.

સરકારે છેલ્લા દોઢ દાયકામાં જે નાણાકીય શિસ્ત દાખવી છે, તે દેશભરમાં ઉદાહરણરૂપ છે. તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે કહ્યુ કે, છેલ્લા ૧૪ નાણાકીય વર્ષથી એટલે કે, વર્ષ ૨૦૦૪ થી રાજ્ય સરકારે ઓવરડ્રાફ્ટ લીધો નથી. રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદનની સાપેક્ષે દેવાનું પ્રમાણ જે નાણાકીય વર્ષ ૨૦૦૪-૦૫ માં ૨૮.૪૮ % હતુ તે ઘટીને વર્ષ ૨૦૧૬-૧૭ માં ૧૭.૨૧ % જેટલુ ઘટ્યુ છે. એટલુ જ નહી વર્ષ ૨૦૧૮-૧૯ માં તે ઘટીને ૧૫.૯૬ % થવાનો અંદાજ છે.

તા.૧ લી જુલાઇ, ૨૦૧૭ થી સમગ્ર દેશમાં ગુડ્ઝ અને સર્વિસ ટેક્ષ અમલી કરવામાં આવેલ છે. આ નવીન ટેક્સ હેઠળ રાજ્યના ૫,૨૫,૬૮૮ વેપારીઓ પૈકી ૫,૦૯,૪૬૭ વેપારીઓનું વેટ કાયદામાંથી GST કાયદા અન્વયે, માઇગ્રેશનની ૯૬.૯૧ ટકા કામગીરી પૂર્ણ કરી છે. GST કાયદા હેઠળ નવા નોંધણી નંબર માટેની તા.૧૪ માર્ચ, ૨૦૧૮ ની સ્થિતિએ કુલ-૪,૨૬,૭૧૮ નિકાલ કરવામાં આવેલ છે.

રાજ્યની હિસાબી અને તિજોરી કચેરીઓ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માં ૬૦.૦૬ લાખ ચલણો દ્વારા રૂ.૧,૩૫,૯૮૪ કરોડની આવક થઇ છે અને ૧૩.૬૮ લાખ બીલો દ્વારા રૂ.૧,૪૧,૬૭૫ કરોડના ચુકવણા કરાયા છે. રાજ્યની ૩૩ જિલ્લા તિજોરી કચેરીઓ, ૧૩૮ પેટા તિજોરી કચેરીઓ સહિત રાજ્ય કક્ષાની વિવિધ કચેરીઓ અને પેન્શન ચુકવણા કચેરીની કામગીરી વધુ ઝડપી થઇ છે. રઇન્ટીગ્રેટેડ ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ લાભાર્થીઓને યોજનાકીય લાભો સીધેસીધા તેમના ખાતામાં જમા થાય તે માટે ૩૩ જિલ્લા કચેરીઓમાં ઇ-પેમેન્ટની સુવિધા શરૂ કરાઇ છે. ઉપરાંત પેન્શનરોને હાલાકી ન ભોગવવી પડે તે માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે અલગ પેન્શન ચુકવણા કચેરી શરૂ કરાઇ છે.

ગુજરાત સામૂહિક જૂથ વિમા યોજના હેઠળ કુલ-૩.૫૦ કરોડથી વધુ લાભાર્થીઓને આવરી લઇ રૂ.૪૮.૨૨ કરોડનું પ્રીમીયમ વસૂલ કરવામાં આવ્યુ છે ઉપરાંત રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને પણ તા.૦૧.૦૧.૨૦૧૬ થી તા.૩૧.૦૭.૨૦૧૬ સુધીના સાત માસના પગાર તફાવતની રકમ તથા પેન્શનરોને તા.૦૧.૦૧.૨૦૧૬ થી તા.૩૦.૦૯.૨૦૧૬ સુધીના નવ માસના પેન્શનના તફાવતની રકમ રોકડેથી ચુકવવાનો નિર્ણય પણ કર્યો છે. જે મુજબ સાતમા પગાર પંચના તફાવતની રકમનો પ્રથમ હપ્તો ચાલુ વર્ષના માર્ચ માસમાં, બીજો હપ્તો મે માસમાં તથા ત્રીજો હપ્તો જુલાઇ માસમાં ચૂકવાશે, તેમ તેમણે ઉમેર્યુ હતુ. આ માગણીઓ વિધાનસભા ખાતે પસાર કરાઇ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]