ભગા બારડનું ધારાસભ્ય પદ યથાવત રહેશેઃ કોંગ્રેસને હાશકારો

અમદાવાદઃ કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યા છે. હાઈકોર્ટના આદેશ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું સભ્ય પદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ યથાવત રાખ્યું છે. ભગા બારડ તાલાળાના ધારાસભ્ય છે. ભગા બારડ પર વર્ષ 1995માં 2.83 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લાઇમ સ્ટોન ખનનનો આરોપ છે. જેથી ગીર સોમનાથની મેજિસ્ટ્રેટ કોર્ટે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી હતી.

કોર્ટે આપેલી સજાના પગલે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તાત્કાલીક એકશન લઈને તલાલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભગા બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા. ધારાસભ્ય સસ્પેન્ડ થતા ચૂંટણીપંચ દ્વારા તલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ જાહેર કરી દેવામાં આવી હતી. આ મામલે સસ્પેન્ડ ધારાસભ્ય ભગા બારડે હાઈકોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે, તેમને નીચલી કોર્ટે આપેલી સજા ઉપર ઉપલી કોર્ટે સ્ટે આપ્યો હોવા છતાં તેમને સસ્પેન્ડ કરીને બેઠકની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે.

સામાપક્ષે હાઈકોર્ટમાં સરકારે પોતાના તરફથી રજૂઆત કરતા કહ્યું હતું કે, નિયમ અનુસાર ભગા બારડ ધારાસભ્ય પદે ચાલુ રહી શકતા નથી જેથી ખાલી પડેલી જગ્યા ભરવા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ભગા બારડે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા તેને મોટી રાહત મળી હતી . હવે હાઈકોર્ટના આદેશ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું સભ્ય પદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ યથાવત રાખતાં કોંગ્રેસ માટે આ રાહતના સમાચાર છે.