રાજ્યસભા ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ બંને કટોકટ

ગાંધીનગર- રાજ્યમાં રાજયસભાની 4 બેઠકો માટેની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત થશે અને 12 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે. 13 માર્ચે ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 15 માર્ચ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ત્યારબાદ મતદાન કરવાની જરુર પડે તો 23 માર્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દિવસે જ સાંજે 5 વાગ્યા પછી મતગણતરી હાથ ધરવામાં આવશે.ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી

ગુજરાતની 4 બેઠકો માટે પણ 23 માર્ચે મતદાન યોજાશે. રાજ્યસભામાં 5 વર્ષ પૂર્ણ કરી નિવૃત થતાં 4 સભ્યોની ચૂંટણી આવી રહી છે. જેમાં અરુણ જેટલી, શંકર વેગડ, મનસુખ માંડવિયા અને પુરષોતમ રુપાલાનો સમાવેશ થાય છે. અરુણ જેટલીની ઉમેદવારી નિશ્રિત છે, જ્યારે અન્ય 3 ઉમેદવારો ભાજપ પાર્ટી નક્કી કરશે.

ગુજરાતમાં કુલ 4 રાજ્યસભા બેઠક છે જેમાં ભાજપ અને કોંગ્રેસને બે-બે બેઠક મળે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય  છેકે ચૂંટણી પંચે રાજ્યસભાની કુલ 58 બેઠકો માટે ચૂંટણીની તારીખોની જાહેર થઇ ગઇ છે. આગામી એપ્રિલ અને મે મહિનામા ખાલી પડનારી રાજ્યસભાની 58 બેઠકો માટે 23 માર્ચે મતદાન યોજાશે.