સુપ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર નિરંજન ભગતનું નિધન

0
2710

અમદાવાદ– ગુજરાતના વરિષ્ઠ કવિ નિરંજન ભગતનું 91 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ગત રવિવારે ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠક દરમિયાન તેમને બ્રેઈન સ્ટ્રોકનો એટેક આવતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા તેમને સારવાર અપાઈ હતી, અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો ન આવતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પણ તેમના શરીરના અવયવોની કામગીરી પુનઃ શરૂ ન થતાં તબીબોની સલાહથી તેમના પરિવારજનોએ વેન્ટિલેટર હટાવી લીધું હતું. અને આખરે સાંજે નિરંજન ભગતનું તેમના ઘરે જ અવસાન થયું હતું.

ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યના લોકો તેમને ભગત સાહેબના હુલામણા નામથી ઓળખે છે. ભગત સાહેબ અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે વિદ્યાર્થીઓમાં બહુ જ લોકપ્રિય હતા. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય, શિક્ષણ જગતને મોટી ખોટ પડી છે.

વિદાય પ્રિય, જા! તને મન કથા ય કહેવી નહિ
હવે ગહન મૌનમાં મનવ્યથા જ સ્હેવી રહી!
– નિરંજન ભગત

હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
-રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું!

– નિરંજન ભગત