હવે પાક સુરક્ષાના ઔષધો માટે ગુજરાતમાં જ થશે સંશોધન

વડોદરાઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે શહેરના સાવલી નજીક લસુન્દ્રામાં જેડીએમ રિસર્ચના સંશોધન અને વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ આપતાં ગુજરાતે લઘુ-મધ્યમ ઊદ્યોગો માટે પહેલા પ્રોડકશન પછી પરમિશનનો નવતર અભિગમ પણ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ ગુજરાતના સર્વગ્રાહી-સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની વિશ્વ ખ્યાતિની ભૂમિકા આપતાં કહ્યું કે, વિકાસની બાબતમાં ગુજરાતનો વિકલ્પ માત્ર ગુજરાત જ છે. જેડીએમ રીસર્ચના રૂપમાં ગુજરાતને વિશ્વકક્ષાનું સંશોધન અને વિકાસનું કેન્દ્ર મળતાં ગુજરાતના તાજમાં નવું પીંછું ઉમેરાયું છે અને અહિં ઉચ્ચકક્ષાનું સંશોધન ઉદ્યોગની સાથે ખેતીવાડીને પણ પ્રોત્સાહિત કરશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી.

આ કેન્દ્ર રસાયણ દવાઓ, પાકની સુરક્ષા માટેના ઔષધો, સ્પેશ્યાલીટી કેમિકલ અને તબીબી ઉપકરણો ઇત્યાદિમાં નવા સંશોધન અને વિકાસની વિશ્વ કક્ષાની સુવિધાઓ ધરાવે છે. મુખ્યમંત્રીએ આનંદ વ્યકત કરતાં જણાવ્યું કે એશિયાના સૌથી મોટા સંશોધન અને વિકાસ કેન્દ્રોમાં આ સુવિધાનો સમાવેશ થાય છે અને તેના પગલે ગુજરાતનું નામ સંશોધન અને વિકાસના ચિત્રના નકશામાં ઉમેરાયું છે.

ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ છે એની ભૂમિકા આપતાં મુખ્યમંત્રી રુપાણીએ જણાવ્યું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના સંકલ્પ સાથે ગુજરાતે રાઇટ ટાઇમ ફોર રાઈટ જોબની પરંપરા પ્રગતિ માટે અપનાવી છે. એટલે જ ગુજરાત વિશ્વ ભરના મૂડીરોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજય બન્યું છે. મેઇક ઇન ઇન્ડીયાની વડાપ્રધાનની વિભાવનાને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે અને દેશના આર્થિક વિકાસમાં ગુજરાત ઉલ્લેખનીય યોગદાન આપી રહયું છે.

મોટા ઉદ્યોગોની સાથે ગુજરાત મધ્યમ, લઘુ અને શૂક્ષ્મ ઉદ્યોગોના વિકાસની પણ પૂરતી કાળજી લઇ રહયું છે એવી જાણકારી આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં MSMEના ૩૫ લાખથી વધુ એકમો છે અને રાજયના વિકાસમાં આ એકમો ઉલ્લેખનીય યોગદાન આપી રહયા છે.

ગુજરાતે પહેલાં ઉત્પાદન અને પછી પરવાનગીની નીતિ અપનાવી છે. એની વિગતો આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આવીને ઉત્પાદન શરૂ કરો અને ત્રણ વર્ષમાં જરૂરી આનુષાંગિક પરવાનગીઓ મેળવી લો એવી વ્યવસ્થા કરી છે. ઓન લાઇન રજીસ્ટ્રેશનની સુવિધા હેઠળ ગણતરીની મીનીટોમાં પરવાનગી મળે એવી સુવિધા આપવામાં આવે છે.

ગુજરાતમાં આગામી વર્ષે વિશ્વ નો પ્રથમ સી.એન.જી.ટર્મિનલ ભાવનગર બંદરે કાર્યરત થઇ જશે તેની ભૂમિકા તેમણે આપી હતી. વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વિકાસના સિમાચિન્હોની છણાવટ કરતાં જણાવ્યું કે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન ૪૩ ટકા છે. સર્વિસ સેકટરમાં ૪૨ ટકા છે. સહુના સહયોગથી પારદર્શકતા, નિર્ણાયકતા અને ગતિશીલતા સાથે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]