જમીન હડપનારાને હવે 14 વર્ષની જેલની સજા  

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં ભૂમાફિયાઓ પર લગામ કસવા માટે જમીન ઉચાપત કાયદા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે, જેમાં હવેથી ગેરકાયદે જમીન પચાવી પાડનારને 10થી 14 વર્ષની સજા થશે. રાજ્ય સરકારે સરકારી, ખેડૂતોની અને ખાનગી માલિકીની તેમ જ પબ્લિક ટ્રસ્ટ-ધાર્મિક સ્થળોની જમીન ગેરકાયદે કબજો કરી લેનારા ભૂમાફિયા સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટની કાનૂની જોગવાઈઓના કડક અમલની જાહેરાત કરી છે.

મુખ્ય પ્રધાને આ કાયદાકીય જોગવાઇઓની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સામાન્ય ખેડૂતોની જમીન ભૂમાફિયાઓએ હડપ કરી હોવાની ફરિયાદો અને તેમને રાતા પાણીએ રોવડાવ્યા હોવાની કેટલીક ઘટનાઓ સરકારના ધ્યાનમાં આવી હતી, જેને અનુલક્ષીને રાજ્યના એક પણ ખેડૂતની કીમતી જમીન કોઇ ભૂમાફિયો પચાવી ન પાડે એવા હેતુથી તથા આવા ગુનેગારો-લેન્ડ ગ્રેબરો-ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમ જ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકારે આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યું છે. રાજ્યમાં ગેરકાયદે જમીન પચાવનાર કરતા ભૂમાફિયાને સરકાર છોડવા માગતી નથી. રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા સરકાર સંકલ્પબદ્ધ છે.

હવે આ કાયદા હેઠળ ગુનેગારો દોષિત ઠરેથી ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમ જ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે.