વિધાનસભામાં મારામારી કરનાર સભ્યો વિરુદ્ધ કાર્યવાહીનો ગૃહને અબાધિત અધિકારઃ સરકાર

ગાંધીનગર- ૨૮મી ફેબ્રુઆરીએ વિધાનસભા અધ્યક્ષ સામે કોંગ્રેસે મૂકેલી અવિશ્વાસની દરખાસ્ત અને 1૪મી માર્ચે બનેલો મારામારીનો બનાવ, આ બન્ને બનાવોને સમાધાનની ભૂમિકામાં સાથે સાંકળવા વાજબી ન હોવાનું સરકાર તરફથી સ્પષ્ટ કરાયું છે.સંસદીય બાબતોનો હવાલો ધરવાતાં પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ૧૪ માર્ચે વિધાનસભા ગૃહમાં સર્જાયેલ દ્રશ્યોનું પુનરાવર્તન ન થાય અને કોઈપણ સભ્ય ભવિષ્યમાં આ પ્રકારની ગેરવર્તણૂંકની હિંમત ન કરે તે માટે તથા સંસદીય લોકશાહીની ઉચ્ચ પ્રણાલી જાળવી રાખવા માટે સરકાર કટિબદ્ધ છે. એક ધારાસભ્યને ૧ વર્ષ માટે અને બે ધારાસભ્યોને ૩ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે તે ગૃહના અધિકારની રૂએ સસ્પેન્ડ કરાયા છે.

આ પહેલાં પણ લેવાયાં છે આવા નિર્ણયો

ગૃહમાં અશોભનીય અને લોકશાહીને લાંછનરૂપ વર્તણૂંક આચરનારા સભ્યોને સસ્પેન્ડ કરવાનો ગૃહને અધિકાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં પહેલી લોકસભાના સભ્ય એસ.જી. મૃદગલને લોકસભાએ ૧૯૫૨માં સભ્યપદેથી દૂર કર્યા હતા. વર્ષ–૨૦૧૦માં રાજસ્થાન વિધાનસભા ગૃહમાં પણ બે ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે તત્કાલીન  મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, “તા.૧૭,૧૮ અને ૧૯ માર્ચ ૨૦૧૦માં ગૃહમાં જે વાતાવરણ સર્જાયું તેનું હું પુનઃ ઉચ્ચારણ કરવા માંગતો નથી. ગૃહને સુચારુરૂપે ચલાવવાની જવાબદારી પક્ષ સાથે પ્રતિપક્ષની પણ છે”.

મધ્યપ્રદેશમાં બે ધારાસભ્યોને ગૃહમાં તેમની વર્તણૂંકના મુદ્દે ગૃહના સભ્યપદેથી જ દૂર કરવામાં આવ્યા હતા, કે જે ૩ વર્ષના સસ્પેન્શન કરતાં પણ આકરી સજા છે. આ બાબતને હાઇકોર્ટમાં પડકારવામાં આવતા કોર્ટ દ્વારા પણ અધ્યક્ષના નિર્ણયને માન્ય રાખવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં ૧૯૬૪ અને ૨૦૦૯માં ધારાસભ્યને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશમાં પણ ત્યાંની વિધાનસભાએ તેના એક સભ્યને સન ૨૦૧૫માં ૧ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.

ગૃહની ગરિમા જાળવવાનો અબાધિત અધિકાર

૧૪ માર્ચે કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપભાઇ દૂધાત, અમરીશભાઇ ડેર અને બળદેવજી ઠાકોર દ્વારા ગૃહની કાર્યવાહી ખોરવી નાંખવાનો પ્રયાસ કરીને, ગૃહ તથા કોરીડોરમાં મારામારી  કરીને જે પ્રકારે ભયનો માહોલ ઉભો કરાયો હતો તેની ગંભીરતાથી નોંધ લઇને શાસક ભાજપ દ્વારા ત્રણેય ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, તેમાં કંઇ જ ખોટું થયું નથી. કોંગ્રેસે આ ઘટના બદલ તેના સભ્યો પાસે ગૃહની બિનશરતી માફી મગાવવાની ચેષ્ટા પણ દાખવી નથી જે વિચારવા જેવી બાબત છે. આ પ્રકારની અવમાનનાની ગંભીર ઘટનાને કારણે જ ત્રણેય ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય સમગ્ર વિધાનસભા ગૃહનો છે.ચૂડાસમાએ કહ્યું કે આ ઘટના અધ્યક્ષ અને ગૃહના તમામ સભ્યોની હાજરીમાં અને સાક્ષીમાં બની છે, જેને માટે કોઈ વિશેષ પૂરાવાની જરૂર નથી ત્યારે સસ્પેન્ડ થયેલા સભ્યો માટે સહાનુભૂતિ પ્રાપ્ત કરવા ઘટના બન્યાં પછી પાછળથી વિચારેલા બિનપાયેદાર આક્ષેપો કરવાનો કોઈ અવકાશ હોઈ ન શકે. આવા બનાવોને ગૃહે હળવાશથી લીધાં હોત તો લોકશાહીના મૂલ્યોની રક્ષાની જવાબદારી જેના શીરે છે તેવા વિધાનસભા ગૃહ માટે યોગ્ય ન ગણાત. સમગ્ર ઘટનાક્રમ જોતાં સભ્યોની આ પ્રકારની વર્તણૂંક માટે ધારાસભ્યશ્રીઓને સભ્યપદેથી દૂર કરવા સુધીની મહત્તમ શિક્ષા પણ હોઇ શકે, આમ છતાં પુખ્ત વિચારણા કર્યા બાદ જ માત્ર સસ્પેન્શનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

સરકારે પોતાના પગલાંને યોગ્ય ઠેરવતાં સંસદીય કાર્યપ્રણાલીના ભાગ-૨ના પૃષ્ઠ-૭૮૨ પર દર્શાવવામાં આવેલા નિર્દેશનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગૃહના સભ્યોની વર્તણૂંક માટે પોતાના સભ્યોને શિક્ષા કરવાનો સભાગૃહનો અંતર્ગત અધિકાર છે. ગૃહને પોતાની કાર્યવાહીના નિયમો ઘડવાનો અધિકાર છે પરંતુ  ગૃહ પોતાના માટે જે નિયમો બનાવે તેને અનુસરવા બાબતમાં બહારની કોઇ સત્તાને ગૃહ જવાબદાર નથી અને તે તેના સ્વવિવેકાનુસાર તે નિયમોથી જુદી રીતે પણ વર્તી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]