આગામી બે દિવસમાં ગરમી વધશે, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત: આ વર્ષે ઠંડીનો ચમકારો લાંબા સમય સુધી લોકોને અનુભવાયો હતો, ત્યારે હવે ગરમીના દિવસો પણ આવી ગયા છે. હાડ થીજવતી ઠંડી બાદ હવે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ચાર દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. પણ આ તો હજી શરૂઆત છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસોમાં હજી ભયંકર ગરમી પડશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છના તટીય વિસ્તારો જેવા કે, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હીટવેવની અસર જોવા મળશે. આગામી બે દિવસમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના ગરમ પવનનો મારો રહેવાની શક્યતાઓને પગલે ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી.

દક્ષિણ ગુજરાતના તાપમાનમાં એક જ દિવસમાં સીધો જ 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. દિવસનો પારો 40 ડિગ્રી અને રાતનો પારો 23 ડિગ્રી રહ્યો હતો. ગરમીએ કહેર વરસાવતા હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 20 ટકા જેટલુ થઈ ગયું છે. લોકોને પરસેવે રેબઝેબ થવાનો વારો આવી ગયો છે. આમ, ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન વધી ગયું છે, જેને કારણે લોકો દિવસે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]